કેતકી વ્યાસની જામીન અરજીની સુનાવણીમાં વકીલ હાજર નહીં રહેતા મુદત પડી
- આણંદના તત્કાલીન કલકેટરના વીડિયો કાંડમાં સંડોવાયેલી
- હવે તા. 13 મીએ જામીન અરજીની સુનાવણી મુકરર કરાઇ
આણંદના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવીને હનીટ્રેપમાં ફસાવવા માટે તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને તેના વકીલ મિત્ર હરીશ ચાવડા વિરુધ્ધ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ આણંદ એલસીબી પોલીસે તપાસ પૂર્ણ કરી ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને હરીશ ચાવડાને આણંદની સબ જેલમાં જ્યારે નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસને નડિયાદની બિલોદરા જેલ ખાતે મોકલી આપ્યા હતા. બિલોદરા જેલની હવા માણી રહેલી કેતકીબેન વ્યાસ દ્વારા આણંદની કોર્ટમાં જામીન અરજી મુકવામાં આવી હતી જેની આજે સુનાવણી થવાની હતી. જો કે કોઈ કારણોસર અરજદાર તરફેના વકીલ કોર્ટમાં હાજર ન રહેતા અરજદાર દ્વારા મુદતની માંગણી કરાઈ હતી. જેને લઈ કોર્ટે આગામી તા.૧૨મી સપ્ટેમ્બરના રોજ જામીન અરજીની સુનાવણીની મુદત આપી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ આરએસી કેતકીબેન વ્યાસના પતિ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ફરજ બજાવતા હતા જ્યાં ગૃહ વિભાગ દ્વારા તેઓની ગીર-સોમનાથના એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક તરીકે બદલી કરવામાં આવતા અનેક તર્કવિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. સાથે સાથે કેતકીબેન વ્યાસ બિલોદરા જેલમાંથી કેટલાક ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે.