આણંદ પાલિકાની સામાન્ય સભા સફાઇકર્મીઓના પ્રશ્ને ઉગ્ર બની
- ઇનચાર્જ ચીફ ઓફિસરે બેહૂદું વર્તન કરતાં બેઠક તોફાની બની
- કાઉન્સિલરોએ ઇનચાર્જ ચીફ ઓફિસરનો ઘેરાવો કર્યો : થોડા સમય માટે મળેલી સભામાં 71 કામો બહુમતીથી મંજૂર કરાયાં
બપોરના ૧૨.૦૦ કલાકે શહેરના ટાઉનહોલ ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ન.પા.ની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ગત સભાના હિસાબો મંજૂર કરવા સહિત શહેરના વિવિધ વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન નાખવા માટેની ચર્ચા-વિચારણાના પ્રશ્નો રજૂ કરાયા હતા.
સામાન્ય સભાના પ્રારંભે જ અપક્ષ કાઉન્સીલર મહેશભાઈ વસાવા પાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસરને સફાઈકર્મીઓ તથા કામદારોના પ્રશ્નોને લઈ રજૂઆત કરવા માટે ગયા હતા. જો કે ઈન્ચાર્જ ચીફ ઓફિસર કમલકાન્ત પ્રજાપતિએ તેઓની રજૂઆત અંગે બેહૂદું વર્તન કરતા અન્ય વિપક્ષી કાઉન્સીલરો પણ સ્ટેજ ઉપર પહોંચી ગયા હતા અને સી.ઓ.નો ઘેરાવો કર્યો હતો.
આ તમામ ગતિવિધિઓ વચ્ચે સત્તાધારી પક્ષે એજન્ડાના ૬૯ અને વધારાના ૨ કામ મળી કુલ ૭૧ કામો બહુમતીના જોરે મંજૂર કરી સભા સમાપ્તિની જાહેરાત કરતા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પાલિકાની સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં જ આટોપાઈ ગઈ હતી.
વિપક્ષના સભ્યોનો આક્ષેપ
શહેરના વોર્ડ નં.૩ના અપક્ષ કાઉન્સીલર મહેશભાઈ વસાવા સહિતના વિપક્ષી કાઉન્સીલરોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, અમો ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં જ્યારે પણ અમો કોઈ રજૂઆત લઈને ચીફ ઓફિસર પાસે જઈએ છીએ ત્યારે તેઓ દ્વારા અમારી સાથે અસભ્યતાપૂર્વક વર્તન કરવામાં આવે છે. જે અંગે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરવામાં આવનાર છે. જો કે આ અંગે નગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ઓફિસર કમલકાન્ત પ્રજાપતિએ તમામ આક્ષેપો જુઠ્ઠા હોવાનું જણાવ્યું હતું.