ખંભાત બંદરનો વિકાસ સરકારના પોકળ દાવાઓ વચ્ચે ટલ્લે ચડયો
- જિલ્લામાં બેરોજગારીનો દર રોકેટ ગતિએ ઉપર ગયો
- વાઇબ્રન્ટ ગુજરાતની અનેક સમિટોમાં બંદરના મુડીરોકાણના દાવા થયેલા
વલ્લભવિદ્યાનગર : વાઇબ્રન્ટમાં આણંદ જિલ્લામા અનેક ઉદ્યોગોએ મુડીરોકાણ માટે એમઓયુ કર્યા છે. પરંતુ અત્યાર સુધીમાં કેટલા ઉદ્યોગો સ્થપાયા અને રોજગારી પ્રાપ્ત થઇ તે આંકડો હજુ સુધી તંત્ર શોધી શક્યુ નથી. ત્યારે બીજી તરફ વાઇબ્રન્ટ ૨૦૨૨ માટે તંત્ર દ્વારા પ્રક્રિયા હાથ ધરાઇ છે. જયારે ખંભાત પોર્ટના વિકાસ માટે વર્ષોથી માત્ર પોકળ દાવા કરવામા આવ્યા છે. ત્યારે બંદરનો વિકાસ થાય તે માટે ઉદ્યોગોમા ચર્ચા જાગી છે.
આણંદ જિલ્લાના અત્યાર સુધી અનેક નેતાઓએ રાજ્યમાં મંત્રીપદ હાંસલ કર્યુ છે. પરંતુ મોટી ઇન્ડ્રસ્ટીઝની સ્થાપના કે ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામા નેતાઓ વામણા પુરવાર થયા છે. કેન્દ્રમાં યુપીએ સરકારમાં પણ મંત્રી હોવા છતાંપણ નેતાએ મુડીરોકાણ માટે એકપણ ઇન્ડસ્ટ્રીઝને આમંત્રિત ન કરતા આજે જિલ્લામાં બેરોજગારીનુ ઉંચુ પ્રમાણ જોવા મળી રહ્યુ છે. એક તરફ સરકારે ખાનગી ઔદ્યોગિક પાર્ક માટે જગ્યાની કપાત ૪૦ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરી છે. જેથી પ્રાઇવેટ ઔદ્યોગિક પાર્કોને તક મળશે. તદુપરાંત મરણતોલ ફટકો વેઠી રહેલી સોજીત્રા, પેટલાદ, વાસણા-બોરસદના ઔદ્યોગિક વિકાસ માટે પણ તંત્રએ હકારાત્મક વલણ અપનાવવુ જોઇએ.
ખંભાતના બંદરના વિકાસ માટે અનેક વખત જાહેરાતો થઇ પરંતુ નક્કર કાર્યવાહી થઇ નથી. પૌરાણિક યુગમા ખંભાત અનેક દેશો સાથે દરિયાઇ માર્ગે વેપાર-વાણિજ્યથી સંકળાયેલુ હતું. એક જમાનામા દરિયાકાંઠે ખંભાતના વેપારની જાહોજલાલી હતી. ત્યાં ઔદ્યોગિક એકમો, રીફાઇનરી અને સ્પેશીયલ ઇકોનોમી ઝોન સ્થાપવા માટે વાઇબ્રન્ટમા પ્રયત્નો કરવા જોઇએ. તેવી ચર્ચાઓ જાગી છે.