ખંભાતમાં છેલ્લા 3 મહિનાથી ગટર ઉભરાતા નર્કાગારની સ્થિતિ
- પાલિકા મોટર રિપેર ન કરાવતી હોવાના આક્ષેપ
- 8 પૈકી દરેક પમ્પિંગ સ્ટેશનમાં માત્ર એક મોટર ચાલતી હોવાથી સમસ્યા ઉદભવી
ખંભાતમાં છેલ્લા ત્રણ મહિનાથી નવીનગરી, બાલેશા જવાનો રસ્તો, ફૂલ કુવા સોસાયટી, ચુનારવાડ, રબારીવાડ, સાગર સોસાયટી, જલારામ સોસાયટી સહિતના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. ગટરની અસહ્ય દુર્ગંધથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વિસ્તારોમાં રોગચાળો ફેલાવાનો ભય સેવાઈ રહ્યો છે.
ખંભાતમાં હાલ આઠ પમ્પિંગ સ્ટેશનો આવેલા છે. દરેક પમ્પિંગ સ્ટેશનમાં ચાર મોટર છે, જે પૈકી માત્ર એક જ મોટર કામ કરી રહી છે. પમ્પિંગ સ્ટેશનમાં આવેલા કુવાઓ ભરાઈ જતા એક જ મોટર હોવાથી પાણી ખેંચી શકાતું નથી. પરિણામે તમામ પાણી બેક પ્રેશરથી પાછું જતાં નગરના મોટાભાગના વિસ્તારમાં ઉભરાઈ રહ્યું છે.
આ અંગે નગરજનો દ્વારા પાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાઓનો ઉકેલ આવતો નથી. ખંભાત નગરપાલિકાના વિરોધ પક્ષના નીતિન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પાલિકાએ મોટર રિપેરિંગ તથા પાણી ખેંચવાના ટેન્ડરો ગત વર્ષે આપ્યા હતા. જેના કોન્ટ્રાક્ટ પુરા થઈ જતાં હવે પમ્પિંગ સ્ટેશનની કામગીરી પાલિકા જાતે કરી રહી છે અને મોટરો રિપેર કરાવતી નથી. પરિણામે ગટર ઉભરાવાનો પ્રશ્ન ઉભો થયો હોવાના આક્ષેપ લગાવ્યા હતા.
મોટાભાગના વિસ્તારમાં ગટરનું કામ ચાલુ છે : પાલિકા પ્રમુખ
ખંભાત નગરપાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, પમ્પિંગ સ્ટેશનોની મોટરો બંધ હતી, તેનું પાલિકા દ્વારા મેન્ટેનન્સ અને જેટિંગની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ મોટાભાગના વિસ્તારમાં ગટરની કામગીરી કરવાનું કામ ચાલુ છે. જેથી ગટરો ઉભરાવાનો પ્રશ્ન હલ થઈ ગયો છે. બધા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી દીધા છે. ટેન્ડરનું કામ પણ આજે કરી દેવામાં આવ્યું છે.