આણંદના સીમાંકનની રૂપરેખા માટે કમિટીની રચનાનો ધમધમાટ તેજ
- મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થતાં
- નગરજનોના અભિપ્રાય લેવાશે : સમગ્ર પ્રક્રિયામાં 6 માસ સુધીનો સમય લાગવાનો અંદાજ
આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની બજેટ સત્રમાં જાહેરાત થતા જ આણંદવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જો કે આ જાહેરાત બાદ સૌથી મહત્ત્વનો મુદ્દો સીમાંકનનો છે. મહાનગર પાલિકા અંગેની જાહેરાત બાદ હજુ સુધી સીમાંકન અંગે કોઈ સ્પષ્ટતા નથી.
જેથી આ મામલે ખાસ કમિટી બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. આ કમિટીમાં સ્થાનિક રાજકીય અગ્રણી, ડેલપર્સ, ટાઉન પ્લાનિંગ એક્સપર્ટ સહિતના સભ્યોનો સમાવેશ થવાની શક્યતા છે. બીજી તરફ મહાનગર પાલિકાની હદ માટે નગરજનોનો પણ અભિપ્રાય લેવામાં આવનાર છે.
આ સમગ્ર પ્રક્રિયા પાછળ ચારથી છ માસ સુધીનો સમય લાગશે. ત્યારે મહાનગર પાલિકા માટે રચાનાર કમિટીમાં સભ્યપદ મેળવવું મહત્ત્વનું હોઈ કમિટીમાં સભ્ય બનવા માટે અનેક રાજકીય અગ્રણીઓએ અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે. મહાનગર પાલિકાના કયા કયા વિસ્તારનો સમાવેશ કરવો અને કયા વિસ્તારની બાદબાકી કરવી તે મુદ્દો સૌથી મહત્ત્વનો રહેશે. મહાનગર પાલિકાના સીમાંકનની રૂપરેખા માટે રચાનાર કમિટીને લઈ હાલ આણંદમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે અને કેટલાક રાજકીય અગ્રણીઓએ ગાંધીનગર તરફ દોડધામ શરૂ કરી છે.
આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત થતાં જ સૌથી મોટી અસર રીઅલ એસ્ટેટ ક્ષેત્રને થવાની છે. ત્યારે મોટા માથાંના કેટલાક બિલ્ડરોએ ખાનગી રાહે બેઠકોનો દોર શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રેસીડેન્સીયલ અને કોમર્શિયલ ઝોન અંગેની વિચારણાઓ બિલ્ડર્સ ગુ્રપમાં તેજ થઈ છે. સાથે સાથે ઈન્ડસ્ટ્રીયલ ઝોન અંગે પણ વિચારણાઓ થઈ રહી છે. ઉપરાંત ટીપી ડીપીમાં કેટલી જમીન કપાતમાં જવાની હોય તે અંગે પણ ડેવલપર્સમાં ઉચાટ જોવા મળી રહ્યો છે.