પોલીસ અને રાજકીય નેતાની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ બન્યાનો આક્ષેપ
- બોરસદના જુના બદલપુરમાં દેશી દારૂની રેલમછેલનો વીડિયો વાયરલ
આણંદ : બોરસદ તાલુકાના જૂના બદલપુર ગામમાં દેશી દારૂનું બેરોકટોક અને બેફામ વેચાણ થતું હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીરસદ પોલીસ તથા સ્થાનિક રાજકીય નેતાની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ બન્યા હોવાના આક્ષેપો સ્થાનિકોમાંથી ઉઠયાં છે.
જૂના બદલપુર ગામમાં દેશી દારૂના વેપારીઓ બેફામ બન્યા હોવાની ફરિયાદો ઉઠી છે. વીરસદ પોલીસ મથકના તાબા હેઠળ આવેલા જૂના બદલપુર ગામની ભાગોળે દેશી દારૂ પીધા બાદ સેવનકર્તાઓએ જાહેરમાં ઢગલાબંધ પોટલીઓનો નિકાલ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સ્થાનિક નેતાનો છુપા આશિર્વાદ અને વીરસદ પોલીસની રહેમ નજર હેઠળ હપ્તા વસૂલીથી અસામાજિક તત્ત્વોને મોકળું મેદાન મળી ગયું હોવાનો આક્ષેપ વીડિયોમાં કરાયો છે. યુવાધનને બરબાદીના પંથે ધકેલનાર દેશી દારૂના વેપારીઓને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે.