Get The App

આણંદ પાલિકાના ભાડે અપાતા મેદાનોના હિસાબનો ચોપડો ચિતરાયો જ નથી

Updated: Sep 15th, 2022


Google NewsGoogle News
આણંદ પાલિકાના ભાડે અપાતા મેદાનોના હિસાબનો ચોપડો ચિતરાયો જ નથી 1 - image

- ભાડા માટે નિયમો નક્કી ન હોવાથી મેદાનો ભાડે લેનાર પાસેથી વસુલવામાં આવતી રકમ અને આપવામાં આવતી રસીદની રકમમાં તફાવત 

આણંદ


આણંદ પાલિકા હસ્તકના નાના-મોટા પાંચ જેટલા ગ્રાઉન્ડો નવરાત્રિ સહિત મોટાભાગના દિવસો દરમ્યાન વિવિધ પ્રકારના રાઈડ, મેળા તેમજ પ્લાસ્ટીક-કપડાં સહિતના સેલ અને શિયાળા દરમ્યાન તિબેટીયન માર્કેટ માટે ભાડે આપવામાં આવતા હોય છે ત્યારે આણંદ નગરપાલિકા હસ્તકના ભાડે અપાતા મેદાનોના હિસાબ-કિબાતનો ચોપડો ચિતરાયો જ ન હોવાની ચર્ચાઓએ આણંદ નગરમાં જોર પકડયું છે.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ પાલિકા હસ્તકના નાના-મોટા પાંચ ગ્રાઉન્ડો અગાઉ ભાડે આપી પાલિકામાં આવક થતી હતી. જો કે જે-તે સમયે પાલિકાના મેદાનો ચોરસ મીટરદીઠ કેટલા રૂપિયા ભાડે આપવા તે અંગે ગાઈડલાઈનનું પાલન થતું ન હતું. દરમિયાન શહેરના વિદ્યાનગર રોડ ઉપર આવેલ વૃંદાવન ગ્રાઉન્ડ વિવિધ પ્રકારના હેતુસર ભાડે અપાતા નાગરિકોની ભારે ભીડ ત્યાં જોવા મળતી હતી. પરંતુ મેદાનના મળતા ભરપુર બુકીંગ સામે પાલિકામાં ભાડા પેટેની નજીવી આવક ચોપડે દર્શાવવામાં આવતી હતી. આ બેઠી આવક ઉપર રાજકારણીઓની નજર હોવાની ચર્ચાઓ વચ્ચે મોટાભાગે મેદાન વહીવટથી જ ભાડે આપી દેવામાં આવતું હોવાની સાથે વાસ્તવિક ભાડા પેટે વસુલેલ રકમ અને તેની સામે પાલિકાએ આપેલી રસીદનના આંકડાઓમાં પણ તફાવત હોવાનો ગણગણાટ લોકોેમાં થઈ રહ્યો હતો. જેને લઈ ચારેક વર્ષ અગાઉ અવકૂડાએ પાલિકા હસ્તકના મેદાનો પોતાના હસ્તક લઈ આ મેદાનો એક ચોરસ ફૂટદીઠ દૈનિક રૂા.૫ ભાડુ ઠરાવી વૃદાંવન ગ્રાઉન્ડના વિવિધ માપ અનુરૂપ આયોજન કરી જુદા-જુદા હેતુસર ભાડે આપી શકાય તેવું આયોજન કરાયું હતું. આ બેથી અઢી વર્ષના સમયગાળા દરમ્યાન અવકૂડા દ્વારા કરાયેલ આયોજનને લઈ પાલિકાના આ મેદાનોની લાખો રૂપિયા ભાડાની આવક થઈ હતી.

દોઢેક વર્ષ અગાઉ અવકૂડા દ્વારા આ નાના-મોટા મેદાનો પાલિકાને પરત સોંપવામાં આવતા આ મેદાનો કોને અને કેટલી રકમથી ભાડે આપવા જેવી વિવિધ બાબતો પાલિકાના શાસકો દ્વારા જ નક્કી કરવામાં આવે છે. પાલિકા દ્વારા આ મેદાનો ભાડે અપાતા રોજીંદો ચોપડો મેઈન્ટેન કરવાનો જરૂરી થઈ પડે છે ત્યારે આ વિભાગની કામગીરી સંભાળનાર કર્મચારીઓના મતે મેદાનનો ચોપડો પાલિકામાં નિભાવવામાં આવતો ન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. મેદાન ભાડે મેળવવા માટે આવેલી અરજીને પ્રમુખ સહિતના સત્તાધીશો દ્વારા મંજુરી અપાયા બાદ નક્કી કરાયા મુજબ ભાડુ વસુલીને અરજદારને પાવતી આપી મેદાન ભાડે આપવામાં આવે છે. જો કે હાલ ભાડાની આવક માટે કોઈ નીતિ-નિયમો નક્કી ન કરાયા હોઈ મેદાનો ભાડે રાખનાર વ્યક્તિઓ પાસેથી વસુલવામાં આવતી રકમ સામે આપવામાં આવતી પાવતીની રકમમાં ઝાઝો તફાવત હોવાનો ગણગણાટ  ચર્ચાની એરણે ચઢ્યો છે.


Google NewsGoogle News