વાસદ પાસે ઓટો પાર્ટ્સની આડમાં લઈ જવાતો રૂ. 3.28 લાખનો દારૂ ઝડપાયો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
વાસદ પાસે ઓટો પાર્ટ્સની આડમાં લઈ જવાતો રૂ. 3.28 લાખનો દારૂ ઝડપાયો 1 - image


- 2 શખ્સો સામે ગુનો નોંધાયો 

- ઓનલાઈન પોર્ટલ પર ઓર્ડર મળતા અમદાવાદથી વડોદરા દારૂની ખેપ મારતો હોવાની કબુલાત

આણંદ : આણંદ એલસીબી પોલીસે શુક્રવારે નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આવેલા આણંદ તાલુકાના વાસદ નજીક વોચ ગોઠવી એક ટેમ્પામાં ઓટો પાર્ટસના પાર્સલની આડમાં લઈ જવાતો રૂા.૩.૨૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે ટેમ્પા ચાલકની અટકાયત કરી કુલ રૂા.૪.૩૩ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ એલસીબી પોલીસની ટીમ શુક્રવારે નેશનલ હાઈવે નં.૪૮ ઉપર પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એક ટેમ્પામાં પાર્સલની આડમાં વિદેશી દારૂ ભરીને વાસદ નજીકથી પસાર થનાર હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ આણંદથી વડોદરા તરફ જતા હાઈવે ઉપર આવેલા વાસદ પ્લાન્ટ નજીક વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બાતમીદારના વર્ણન મુજબનો ટેમ્પો આવી ચડતા પોલીસે તેને અટકાવ્યો હતો. 

પોલીસે ચાલકના નામ ઠામ અંગે પૂછપરછ કરતા તે અસ્ફાન અયુબમીયા શેખ (રહે.સારંગપુર અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પામાં ભરેલા માલસામાન અંગે પૂછપરછ કરતા ઓટો પાર્ટસના પાર્સલ હોવાનું ચાલકે જણાવ્યું હતું. જે અંગે ચાલકે બિલ્ટ્રી પણ રજૂ કરી હતી. જો કે પોલીસે શંકાના આધારે ટેમ્પામાં વધુ તપાસ કરતા મીણીયાના કોથળામાં પેક કરેલ પૂંઠાના બોક્ષ મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ-૧૩ નંગ પેટીઓ કબજે લીધી હતી જેની અંદાજિત કિં.રૂા.૩,૨૮,૯૬૦ જેટલી થવા જાય છે.

પોલીસે વિદેશી દારૂ તથા ટેમ્પો મળી કુલ રૂા.૪,૩૩,૯૬૦નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક અસ્ફાન શેખની વધુ પૂછપરછ કરતા અમદાવાદના સુમીત કાર્ગો ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ ભરી વડોદરા ડિલીવરી આપવા જતો હોવા જણાવ્યું હતું. ઓનલાઈન પોર્ટલ ઉપર ઓર્ડર મળતા અમદાવાદથી વડોદરા વિદેશી દારૂની ખેપ મારતો હોવાનું તેણે કબૂલ્યું હતું. પોલીસે અસ્ફાન શેખને વાસદ પોલીસના હવાલે કરતા વાસદ પોલીસે અસ્ફાન સહિત અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News