ખંભાતમાં સપ્તાહથી સફાઈ કર્મીઓની હડતાળ : ગંદકીના ઢગલાં ખડકાયાં
- નગરપાલિકા સત્તાધીશોની અણઆવડતના કારણે પ્રજાને પિસાવવાનો વારો આવ્યો
- લાલ દરવાજા, ત્રણ દરવાજા, જુની મંડાઈ, મોચી વાડ, શાક માર્કેટ, જહાંગીરપુર, પાંચ હાટડી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી જામી
ખંભાત નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતને લઈ છેલ્લા ઘણા સમયથી ખંભાતના શહેરીજનો વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે. નગરપાલિકાના સફાઈકર્મીઓ દ્વારા છઠ્ઠા પગારપંચની માંગણી કરાઈ હતી. સાથે સાથે તેઓનો પગાર નિયમીત ન થતો હોઈ આ અંગે રજૂઆત બાદ પણ પાલિકા સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાતા છેલ્લા એક અઠવાડીયાથી સફાઈકર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. જેને લઈ શહેરના લાલ દરવાજા, ત્રણ દરવાજા, જુની મંડાઈ, મોચી વાડ, શાક માર્કેટ, જહાંગીરપુર, ચુનારવાડ, અકબરપુર, પાંચ હાટડી સહિતના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાયા છે. સાથે સાથે સાફસફાઈના અભાવે વિવિધ વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા પણ ઉદ્ભવી છે. તો કેટલાક વિસ્તારોમાં ગટરોનો ગંદા પાણી ઘર વપરાશના પાણીમાં ભળતા ઝાડા ઉલટીના કેસો નોંધાવાની પણ શરૂઆત થઈ છે. આંતરિક રાજકારણમાં પ્રજાજનોને ભોગવવાનો વારો આવ્યો હોવાનું જાગૃતો જણાવી રહ્યાં છે. આ અંગે ખંભાત શહેરના વોર્ડ નં-૬ના કોંગ્રેસ કાઉન્સીલર ઈસ્તેખાર યમનીના જણાવ્યા મુજબ છેલ્લા એક સપ્તાહથી સફાઈકર્મીઓ હડતાળ પર ઉતરતા પાલિકા સત્તાધીશોની અણઆવડતના કારણે પ્રજા શોષાઈ રહી છે. અવારનવાર આવી અનેક તકલીફોનો તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ કરાતો નથી અને સરવાળે પ્રજાને ભોગવવાનો વારો આવે છે.
સમાધાન થઈ ગયું છે, ટૂંકમાં જ તેમના પ્રશ્નોનો નિકાલ આવશે : ચીફ ઓફિસર
આ અંગે ખંભાત નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.ડી. રાઠોડે જણાવ્યં હતું કે, બે વર્ષ પૂર્વે નવી ભરતી કરાયેલ સફાઈકર્મીઓ દ્વારા પગાર પંચ મુદ્દે હડતાળ પાડવામાં આવી છે. જો કે કાયમી કર્મચારીઓ ફરજમાં ચાલુ છે. ચારથી પાંચ મિટીંગ કરવામાં આવી છે અને સમાધાન થઈ ગયું છે. ટૂંક સમયમાં જ તેઓના પ્રશ્નોનો નિકાલ આવી જશે તેમ તેમણે ઉમેર્યું હતું.