આણંદને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા આસપાસના ગામોનો સમાવેશની સંભાવના
- મહાનગર માટે 15 વર્ષથી માગણી કરાતી હતી
- આણંદ નગરપાલિકાની ૨ લાખની વસ્તી સામે મહાનગર પાલિકાના દરજ્જા માટે ૩ લાખની વસ્તી જરૂરી
આણંદ નગરપાલિકાને ગત શુક્રવારના રોજ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સૈદ્ધાંતિક જાહેરાત કરવામાં આવતા આણંદવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. મહાનગર પાલિકા બનાવવા માટે છેલ્લા ૧૫ વર્ષથી રજૂઆતો કરવામાં આવતી હતી પરંતુ કોઈને કોઈ બહાને માંગ પાછી ઠેલાતી હતી.
તેવામાં આણંદ મહાનગર પાલિકા બને તો વિદ્યાનગર અને કરમસદના વિસ્તાર અંગે અવારનવાર પ્રશ્નાર્થ ઉભા થયા છે. જો કે આવી વાંધાજનક બાબતો નજરઅંદાજ કરવામાં આવે તો પણ આણંદ શહેર ઉપરાંત જીટોડીયા, લાંભવેલ, સામરખા, મોગરી, ગામડીનો પણ સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ અંગે હજૂ કમિટીની રચના કરવામાં આવશે, જેમાં કયા વિસ્તારને મહાનગર પાલિકામાં આવરી લેવો તે નક્કી કરવામાં આવશે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને નીમાનાર આ કમિટીમાં સ્થાનિકોનો પણ સમાવેશ કરાશે અને સૂચનો મંગાવવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ત્યારે કાયદાની જોગવાઈ પ્રમાણે ૩ લાખથી વધુ વસ્તી હોય તેને સરકાર નોટિફીકેશન ઈશ્યુ કરી મહાનગર પાલિકા બનાવી શકે છે. કેટલાક કિસ્સામાં આસપાસના ગામોનો સમાવેશ કરીને પણ મહાનગર પાલિકા બનાવી શકાય છે. તેવામાં આણંદને મહાનગર પાલિકાના દરજ્જામાં સંભવિત રીતે કરમસદ અને વિદ્યાનગર પાલિકાનો પણ સમાવેશ થઈ શકે છે.
આજની અંદાજિત વસ્તીના આંકડા જોઈએ તો, આણંદ નગરપાલિકા વિસ્તારમાં ૨ લાખ, વિદ્યાનગરમાં ૪૦ હજાર અને કરમસદની અંદાજે ૪૦ હજારની વસતી છે. આ ઉપરાંત આસપાસના ગામડાંઓમાં ગામડી, લાંભવેલ, નાવલી, જીટોડીયા, સામરખા વગેરે ગામોનો પણ સમાવેશ થવાની શક્યતા છે.