વિદ્યાનગરના ગુરૂકુળમાં હોબાળા બાદ વિદ્યાર્થીઓને ત્રણ દિવસની રજા અપાઈ
- વિદ્યાર્થીઓની જાતિય સતામણીનો મામલો
- ગુરૂકુળ કમિટી દ્વારા બંધ બારણે બેઠક યોજાઈ
આણંદ
આણંદ પાસેના વિદ્યાનગરની સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે બે દિવસ અગાઉ વાલીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવ્યા બાદ ગુરુકુળના તમામ વિદ્યાર્થીઓને ત્રણથી ચાર દિવસની રજા આપી દેવામાં આવી હોવાનું વાલીઓ જણાવી રહ્યાં છે તો બીજી તરફ આ મામલે કમિટીની બંધ બારણે બેઠક પણ યોજાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે.
મળતી માહિતી મુજબ ગત મંગળવારના રોજ વિદ્યાનગરના બાકરોલ રોડ પર આવેલ શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની જાતિય સતામણી કરવામાં આવી રહી હોવા તેમજ વિદ્યાર્થીઓ સાથે કેટલાક શિક્ષકો તથા સંચાલકો દ્વારા અમાનવીય વર્તન કરાતું હોવાના આક્ષેપ સાથે ૭૦થી વધુ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ અંગેના વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થતા બીજા દિવસે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી વાલીઓ ગુરુકુળ ખાતે પોતાના પાલ્યને લઈ જવા પહોંચ્યા હતા. દરમ્યાન ગુરુકુળ ખાતે આ બનેલ ઘટનાએ ભારે ચકચાર જગાવતા વિદ્યાર્થીઓ માનસિક રીતે હેરાન થયા હોઈ હાલ ગુરુકુળના તમામ વિદ્યાર્થીઓને ત્રણથી ચાર દિવસની રજા આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જો કે આ સમગ્ર મામલે ગુરુકુળના સંચાલક મંડળ તેમજ જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે હજી સુધી કંઈ સ્પષ્ટતા થઈ નથી તો બીજી તરફ વાલીઓ દ્વારા પોતાના પાલ્યને પુનઃ ગુરુકુળમાં મોકલવામાં આવશે કે કેમ તે અંગે ભારે અસમંજસ જોવા મળી રહી છે.
સાથે સાથે શિક્ષણ વિભાગ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવે છે કે કેમ તે પણ પ્રશ્નાર્થ રહેવા પામ્યો છે. જો કે ગત રોજ ગુરુકુળ કમિટીની બંધ બારણે બેઠક યોજાઈ હતી પરંતુ આ બેઠકમાં શું નિર્ણય લેવાયો તે બાબતનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.