Get The App

એસ.પી. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 106 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાશે

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
એસ.પી. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં 106 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાશે 1 - image


- મુખ્યમહેમાન તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી ઉપસ્થિત રહેશે

- 11 વિદ્યાશાખાઓના કુલ 15,754 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાશે

આણંદ : વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીનો ૬૬મો વાર્ષિક પદવીદાન સમારોહ આગામી તા.૧૬મી ડિસેમ્બરને શનિવારના રોજ યોજાનાર છે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને   ગુજરાત રાજ્યના રાજ્યપાલ તેમજ મુખ્ય મહેમાનપદે કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે.

સરદાર પટેલ યુનિ. ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યની અધ્યક્ષતામાં યોજાનાર યુનિર્સિટીના ૬૬મા પદવી સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રના ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે. આ પ્રસંગે યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ તેજસ્વી ૧૦૬ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. 

આ પ્રસંગે વિવિધ ૧૧ વિદ્યાશાખાઓના કુલ ૧૫,૭૫૪ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે. જેમાં વિનયન વિદ્યાશાખામાં ૪૫૬૨, વિજ્ઞાાન વિદ્યાશાખામાં ૪૦૫૧, એન્જીનીયરિંગ અને ટેકનોલોજી વિદ્યાશાખામાં ૧૪૦, વાણિજ્ય વિદ્યાશાખામાં ૩૬૦૭, મેનેજમેન્ટ વિદ્યાશાખામાં ૫૩૪, કાયદાશાસ્ત્ર વિદ્યાશાખામાં ૯૮૪, શિક્ષણ વિદ્યાશાખામાં ૧૦૦૦, ગૃહવિજ્ઞાાન વિદ્યાશાખામાં ૧૫૩, હોમિયોપેથી વિદ્યાશાખામાં ૧૯૨, ફાર્માસ્યુટીકલ સાયન્સ તથા મેડિકલ વિદ્યાશાખામાં ૬૧૪ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરવામાં આવશે.  આ સાથે આરંભકાળથી આજદિન સુધીમાં સરદાર પટેલ યુનિવર્સિટીની ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૩,૭૪,૫૪૮ થશે. આ પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહી પદવી મેળવવા માટે જે વિદ્યાર્થીઓએ આવેદનપત્રો ભર્યા છે તેમને પદવીદાનને લગતી સૂચનાઓ યુનિવર્સિટી દ્વારા એસએમએસ થકી જાણ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને કોન્વોકેશન સિરીયલ નંબર અંગેનો એસએમએસ ન મળે તો યુનિ.ની વેબસાઈટ ઉપરથી મેળવી શકાશે.

 ઉલ્લેખનીય છે કે આ વર્ષે ખાદીને પ્રોત્સાહન મળે તે માટે પદવીદાન સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવો, યુનિ.ના શૈક્ષણિક તથા વહીવટી  કર્મચારીઓ તેમજ સુવર્ણચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓ ખાદીના એકસમાન ડ્રેસકોડમાં ઉપસ્થિત રહેશે.

આમંત્રિતોના પ્રોટોકોલ જાળવવા પદવીદાન સમારોહનું સ્થળ બદલાયું

સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ મોટાભાગે યુનિ. બિલ્ડીંગની સામે આવેલા માનવ વિદ્યાભવનના પટાંગણ ખાતે યોજાતો હોય છે પરંતુ ચાલુ વર્ષે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના આ વાર્ષિક પદવીદાન સમારોહમાં હાજરી આપનાર હોઈ પદવીદાન સમારોહનું સ્થળ બદલવામાં આવ્યું છે અને આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા એપીસી નજીકના પ્રમુખસ્વામી સર્કલથી એલીકોન તરફ જવાના માર્ગ નજીકના વિશાળ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આમંત્રિત મહેમાનોનો પ્રોટોકોલ તથા યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી હોવાનું યુનિ. સૂત્રોએ જણાવ્યું હતું.


Google NewsGoogle News