Get The App

આંકલાવ નગરપાલિકામાં અત્યાર સુધીમાં ભાજપ સત્તા મેળવી શક્યું નથી

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
આંકલાવ નગરપાલિકામાં અત્યાર સુધીમાં ભાજપ સત્તા મેળવી શક્યું નથી 1 - image


- ગ્રામ પંચાયતને 2000 માં પાલિકાનો દરજ્જો મળ્યો હતો

- ભાજપના ઉમેદવારોએ બળવાખોરી કરતા કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવારો પ્રમુખ બન્યા હતા : ભરતીમેળામાં બળવાખોરોને પુનઃ ભાજપમાં સમાવતા આંતરિક વિખવાદ 

આણંદ : આંકલાવ સહિત આણંદ જિલ્લાની પાંચ નગરપાલિકાનું નવું સીમાંકન બહાર પડતા હવે ચૂંટણીઓના પડઘમ પડી રહ્યા છે. ત્યારે વર્ષ ૨૦૦૦થી નગરપાલિકા તરીકે અસ્તિત્વમાં આવેલી આંકલાવ પાલિકામાં અત્યારસુધી એકપણ વખત ભાજપ પ્રમુખ પદ મેળવી શક્યું નથી. જેની પાછળ ભાજપના ઉમેદવારોની બળવાખોરી સહિતના કારણો જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આંકલાવ ગ્રામ પંચાયતને વર્ષ ૨૦૦૦માં નગરપાલિકાની માન્યતા આપવામાં આવી હતી. ત્યારથી ભાજપ દ્વારા મેન્ડટ આપીને ચૂંટણી લડવામાં આવતી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા મેન્ડટનો આગ્રહ રાખ્યા વિના કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને લડાવતા પાલિકામાં કોંગ્રેસ સમર્થિત અપક્ષો સત્તા મેળવી હતી.આંકલાવ પાલિકામાં વર્ષ ૨૦૦૦થી અત્યારસુધીમાં એકપણ વખત પાલિકા પ્રમુખની ખુરશી સુધી પહોંચવામાં ભાજપ સક્ષમ બની નથી.

આંકલાવ પાલિકામાં અગાઉ સાત વોર્ડ હતા અને ૨૧ સભ્યોની ચૂંટણી થતી હતી. જેમાં ભાજપને એકપણ બેઠકો મળતી નહતી. વર્ષ ૨૦૦૮માં કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર અંબાલાલ પઢિયાર પાલિકા પ્રમુખ બન્યા હતા અને પાંચ વર્ષ સુધી પ્રમુખ પદે રહ્યા હતા. બાદમાં વર્ષ ૨૦૧૩માં ભાજપને સાત બેઠકો અને કોંગ્રેસ સમર્થિત અપક્ષોને ૧૪ બેઠકો મળી હતી. ત્યારે ભાજપે અપક્ષોને ખરીદવા હોર્સ ટ્રેડિંગ કર્યું હતું પરંતુ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર સુરેશ પઢિયારની પાલિકા પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી. તેમની સામે અસંતોષ ઉભો થતાં તેમણે રાજીનામુ આપ્યું હતું. જેથી તેમના પછી કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર ગનીભાઈ ભાલાવત પ્રમુખ બન્યા હતા. પરંતુ તેઓ પણ લાંબો સમય સત્તા ટકાવી શક્યા નહતા. પરિણામે કોંગ્રેસ સમર્થિત અપક્ષ ઉમેદવાર વિમલ પટેલ પાલિકા પ્રમુખ બન્યા હતા.

બાદમાં વર્ષ ૨૦૧૮માં આંકલાવ શહેર ભાજપ મહામંત્રી કલ્પેશ પટેલ, આણંદ જિલ્લા કારોબારી સભ્ય ઉપેન્દ્ર પટેલના પત્ની સૈઈરાનીબેન, આંકલાવ શહેર મહામંત્રી અંકિત પટેલ, આંકલાવ યુવા મોરચા પ્રમુખ નયન પટેલ, યુવા મોરચા મહામંત્રી મહાવીરસિંહ પઢિયાર, આંકલાવ કોશાધ્યક્ષ અંકિત પટેલે ભાજપના મેન્ડેટની અવગણના કરી, પક્ષ સાથે બળવાખોરી કરી અપક્ષ ચૂંટણી લડી હતી. તેમજ તત્કાલીન આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ પટેલને બળવાખોરોએ ટેકો આપી પાલિકાના પ્રમુખ બનાવ્યા હતા. જેથી ભાજપે તમામ હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દઈને ૬ વર્ષ માટે સભ્યપદ રદ્દ કરી દીધું હતું.  જોકે, ભાજપ દ્વારા તા. ૪ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ બોરસદમાં યોજાયેલા ભરતી મેળામાં ભાજપ પ્રદેશ પ્રમુખે તમામ બળવાખોરોને ફરી ભાજપમાં સમાવેશ કરાવ્યો હતો. પરિણામે ભાજપના જૂના વફાદાર કાર્યકરો અને પુનઃ આવેલા બળવાખોરો વચ્ચે આંતરિક વિખવાદ ઉભો થયો હોવાથી ભાજપ માટે પાલિકાની આગામી ચૂંટણીમાં કપરા ચઢાણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

આગામી ચૂંટણીમાં પ્રમુખ માટેના સંભવિત દાવેદારો

આંકલાવ નગરપાલિકાની આગામી ચૂંટણીમાં પાલિકાના પ્રમુખ માટે ભાજપમાં જૂના અને વફાદાર કાર્યકર વિશાલ પટેલ તથા નયન પટેલ અને શંભુ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે કોંગ્રેસમાંથી શારદાબેન પઢિયાર અને અંબાલાલ પઢિયારનું પ્રબળ દાવેદારો ગણાઈ રહ્યા છે.  

ડિસેમ્બર-2021 થી નગર પાલિકામાં વહીવટદારનું શાસન

આંકલાવ નગરપાલિકાની ડિસેમ્બર-૨૦૨૧માં ટર્મ પૂરી થઈ હતી. તે સમયે સરકાર દ્વારા અનામતના આધારે બેઠકોના નવા સીમાંકનની વાત કરાતા પાલિકાઓની ચૂંટણી અટકી પડી હતી. જેથી વર્ષ ૨૦૨૧થી આંકલાવ પાલિકામાં વહીવટદારનું શાસન છે. 

સાંસદ મિતેશ પટેલને આંકલાવમાં કોંગ્રેસ કરતા માત્ર 475 મત વધુ મળ્યા હતા

આણંદના ભાજપના સાંસદ મિતેશ પટેલને વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં આંકલાવ શહેરમાં કોંગ્રેસ કરતા માત્ર ૪૭૫ મત વધુ મળ્યા હતા. ત્યારે સાંસદનો પન્નો ટૂંકો પડે તેવી શક્યતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.


Google NewsGoogle News