ડાકોરમાં આજે પૂનમ હોવાથી દર્શનના સમયમાં વધારો કરાશે
- સવારે 5.15 કલાકે મંગળાઆરતી થશે
આણંદ : સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પુનમને લઈ શ્રી રણછોડરાય ટેમ્પલ કમિટિ દ્વારા ભક્તોના ધસારાને ધ્યાનમાં લઈ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ તા.૨૨મી જૂન, ૨૦૨૪ને શનિવારના રોજ જેષ્ઠ સુદ-૧૫ હોઈ ડાકોરના શ્રી રણછોડરાય મહારાજ મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. મળતી સૂત્રોના જણાવ્યા મુજબ સવારના ૫-૦૦ કલાકે નિજ મંદિર ખુલી ૫-૧૫ કલાકે મંગળા આરતી થશે. સવારે ૮-૩૦ કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. સવારના ૮-૩૦ થી ૯-૦૦ કલાક સુધી શ્રી ઠાકોરજી વિવિધ ભોગ આરોગવા બિરાજશે.
આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. બાદમાં ૯-૦૦ કલાકથી ૧૨-૩૦ કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે. ૧૨-૩૦ થી ૧-૦૦ કલાક દરમ્યાન ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે. આ સમય દરમ્યાન દર્શન બંધ રહેશે. બપોરના ૧-૦૦ કલાકથી ૨-૩૦ કલાક સુધી દર્શન ખુલ્લા રહેશે અને ત્યારબાદ ઠાકોરજી પોડી જશે એટલે દર્શનાર્થીઓનો મંદિરમાં પ્રવેશ બંધ રહેશે. બાદમાં ૩-૪૫ કલાકે નિજ મંદિર ખુલી જશે અને ૪-૦૦ કલાકે ઉથ્થાપન આરતીના દર્શન થશે. બાદમાં નિત્યક્રમ મુજબ શયનભોગ, સખડીભોગ સેવા થઈ અનુકુળતાએ શ્રી ઠાકોરજી પોડી જશેે.