બિલ્ડર દ્વારા ગેરકાયદેસર કાંસ પુરાણ કરાયું છતાંય તંત્રનું મૌન

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
બિલ્ડર દ્વારા ગેરકાયદેસર કાંસ પુરાણ કરાયું છતાંય તંત્રનું મૌન 1 - image


- ઉમરેઠ-લીંગડા હાઈવે પર નિર્માણાધિન સોસાયટીના

- તંત્રએ નોટિસો પાઠવી સંતોષ માન્યો, હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી

આણંદ : ઉમરેઠ-લીંગડા હાઈવે માર્ગ પર આવેલ સીએનજી પંપ નજીક કસ્તુરી વિલા રેસીડેન્સીનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. આ સોસાયટીના બિલ્ડર દ્વારા સોસાયટીના આગળના ભાગે સરકારી જગ્યામાં દબાણ કરી સોસાયટીના એન્ટ્રી ગેટ નજીક આવેલ સરકારી કાંસમાં કોઈપણ જાતની મંજૂરી લીધા વિના કાંસમાં માટી પુરાણ કરી દેવામાં આવ્યું છે.

 જેને લઈ ચોમાસામાં વરસાદી પાણી અવરોધાવાની શક્યતા જોવાઈ રહી છે. આ અંગે લગભગ દસ દિવસ પૂર્વે અહેવાલ પ્રકાશિત થતા કાંસ વિભાગના અધિકારીએ કસ્તુરી વિલા નામની સોસાયટીના બિલ્ડરે મંજૂરી લીધી ન હોવાનું અને બિલ્ડરને નોટિસ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

જો કે આ અંગે અવારનવાર નોટિસ આપવા છતાં બિલ્ડર દ્વારા આડોડાઈ કરી પોતાની મનમાની કરવામાં આવી રહી હોવાનું જાગૃતોમાં ચર્ચાઈ રહ્યું છે.

આ અંગે ઉમરેઠના સેક્શન ઓફિસર આદિલ મન્સૂરી સાથે વાતચીત કરતા તેઓએ જણઆવ્યું હતું કે મંજૂરી વિના કાંસમાં પુરાણ કરવામાં આવ્યું છે અને આ અંગે બિલ્ડરને જઈને રૂબરૂમાં જણાવ્યા ઉપરાંત ચારથી પાંચ નોટિસો પણ પાઠવવામાં આવી છે. તેમ છતાં બિલ્ડર દ્વારા મનમાની કરવામાં આવી રહી છે. 

 અમારા કાર્યક્ષેત્રમાં માત્ર નોટિસ પાઠવવાનું આવે છે. જો કે ઉચ્ચ કક્ષાએ આ અંગે રિપોર્ટ કર્યો કે કેમ તેમ પૂછતા જવાબદાર અધિકારીએ આજે ડિવિઝન ઓફિસમાં જાણ કરવામાં આવશે અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરાવ ઉચ્ચ કક્ષાએ જણાવવામાં આવશે તેમ કહેતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

ઉમરેઠની ઓડ ચોકડીથી લીંગડા તરફ જવાના માર્ગની સાઈડમાં આવેલ કાંસ ઉપર અનેક હોટેલો, દુકાનદારોએ ગેરકાયદેસર દબાણો ખડક્યા છે. 

કેટલાક સ્થળે કાંસમાં પાણી જવા માટે ભૂંગળા મુકી ઉપર રસ્તો બનાવવામાં આવ્યો છે. ત્યારે કસ્તુરી વિલાના બિલ્ડરે મંજૂરી વિના આખેઆખો કાંસ પુરી દઈ તંત્રની નોટિસોની પણ અવગણના કરતા તંત્ર દ્વારા આ મામલે ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હોવાનો રોષ જાગૃતોએ વ્યક્ત કર્યો છે.


Google NewsGoogle News