ખંભાતના રેલવે સ્ટેશનથી કોલેજને જોડતા માર્ગ ઉપર ગટર ઉભરાઇ
- અસહ્ય દુર્ગંધ, મચ્છર-માંખીના ત્રાસથી લોકો પરેશાન
- રજૂઆતો છતાંય કોઇ સાંભળતું નથી, વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો
આ માર્ગ ઉપર ગટરના દુષિત પાણી રેલાતા સ્થાનિકોને આ માર્ગ પરથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આ માર્ગ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓને જોડતો હોઈ અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકો તેમજ સરકારી કર્મચારીઓને ગટરના પાણી માર્ગ ઉપર રેલાતા હોઈ અત્રેથી પસાર થવામાં ભારે હાલાકી વેઠવી પડે છે.
ઉલ્લેખનીય છે કે આ અંગે પાલિકાના સત્તાધીશોને વખતોવખત કરવામાં આવેલ રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યું છે. જેને પરિણામે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. આ અંગે કલેક્ટર સહિત પાલિકામાં અવાર નવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ લક્ષ ન અપાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં આ બિસ્માર માર્ગ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય પણ છવાયેલુ જોવા મળી રહ્યું છે.