આણંદની સરકારી કચેરીઓમાં સર્વર ડાઉન, અરજદારો પરેશાન
- વિવિધ પ્રમાણપત્રો, રાશન, આરટીઓની કામગીરી માટે ધક્કા ખાવા લોકો મજબૂર
આણંદ : આણંદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર સર્વરની ધાંધિયાને લઈ કચેરીના કામકાજ અર્થે આવતા અરજદારોને ભારે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે.
આણંદ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, આરટીઓ સહિત સસ્તા અનાજની દુકાનોમાં અવારનવાર સર્વર ડાઉનની ફરિયાદો ઉઠી છે. કાળઝાળ ગરમી વચ્ચે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી અરજદારો સરકારી કામકાજ લઈને કચેરી ખાતે પહોંચતા હોય છે. હાલ વિવિધ શાળા-કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ચાલતી હોવાથી આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર માટે અરજદારો કચેરીમાં આવતા હોય છે. આવા સમયે વારંવાર સર્વર ખોટકાતા કલાકો સુધી અરજદારોને કચેરી ખાતે બેસી રહેવાની ફરજ પડતી હોવાની ફરિયાદો ઉઠી છે.
કેટલીક વાર લાંબો સમય રાહ જોયા બાદ પણ કામ પૂર્ણ ન થતા અરજદારોને નિરાશા સાંપડતી હોય છે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.