સરદાર પટેલ યુનિવર્સિટીની એક્ષટર્નલ પરીક્ષાઓનો આગામી સપ્તાહથી પ્રારંભ
- સ્નાતક અનુસ્નાતક કક્ષાની
- તા. 27 માર્ચથી 40 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે
સરદાર પટેલ યુનિવર્સિટીની સ્નાતક કક્ષાની બીએ, બીકોમ, બીએસસી, બીસીએ, બીબીએ, બીલીબ, બીએસડબલ્યુ, એલએલબી, બીએસસી હોમસાયન્સના સેમીસ્ટર ૪ અને ૬ની યુનિવર્સિટીની પરીક્ષાઓનો આગામી તા.૨૭મી માર્ચના રોજથી પ્રારંભ થનાર છે. જ્યારે અનુસ્નાતક કક્ષાના એમએસસી, એમકોમ, એમએસડબલ્યુ, એમએસડબલ્યુ (એચઆર), લો, એમલીબ, એમએ, એમસીએ તથા એમએસસી હોમસાયન્સના સેમીસ્ટર ૧ થી ૪ની યુનિવર્સિટીની પરીક્ષાઓ આગામી તા.૧લી એપ્રિલના રોજથી યોજાનાર છે. યુનિ.ની આ પરીક્ષાઓ સવારે ૧૦.૦૦ થી ૧.૦૦ તથા બપોરે ૨.૦૦ થી ૫.૦૦ કલાક એમ બે સેશનમાં યોજાશે.
જેમાં અનુસ્નાતક કક્ષાના આશરે ૧૦૮૦૦ તથા સ્નાતક કક્ષાના આશરે ૨૯૬૦૦ મળી કુલ ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આગામી સપ્તાહથી શરૂ થતી યુનિ.ની સ્નાતક-અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ સ.પ.યુનિ.ના જ્ઞાનોદય ભવન, માનવ વિદ્યાભવન સહિત આણંદ-ખેડા જિલ્લાની વિવિધ કોલેજો ખાતેના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર યોજાનાર છે.
જે માટે યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્રો ખાતે સમયસર પ્રશ્નપેપરો પહોંચે તે માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. સાથે સાથે પરીક્ષા દરમ્યાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે અલગ-અલગ સ્કવોર્ડની ટીમો પણ તૈનાત કરવામાં આવશે.