અમેરિકાથી આવી સંદિપ પટેલ રાતોરાત ફરી પેટલાદ યાર્ડના ચેરમેન બની પરત જતા રહ્યા
- મેન્ડેટ વગર યોજાયેલી ચૂંટણીના સહકારી ક્ષેત્રમાં ઘેરા પ્રત્યાઘાત
- પ્રદેશ નેતા ગોરધન ઝડફિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલનો ખૂલાસો માંગ્યો, કેડીસીસી બેન્કના ચેરમેન તેજસ પટેલે ગોઠવણ કરી દીધી
આણંદ : અમેરિકા સ્થાયી થયેલા પેટલાદ માર્કેટયાર્ડના ચેરમેન સંદિપ પટેલ ચૂંટણી બાદ ફરી વિદેશ જતા વિવાદ સર્જાયો હતો. મેન્ડેટ વિના કે પ્રદેશ સંગઠનની સાથે ચર્ચા વિનાચૂંટણી યોજી હોવાના આક્ષેપ થતા આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ પાસેથી પ્રદેશ ભાજપના નેતાએ ખુલાસો માગ્યો છે.
પેટલાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનનો કાર્યકાળ પુરો થતો હોવાથી ગત તા.૨૪ ઓક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી. પેટલાદ એપીએમસીના ચેરમેન સંદિપ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. તેવામાં ચેરમેનનો કાર્યકાળ પુરો થતાં તે પરત દેશમાં આવ્યા હતા. ઈમીગ્રેશન વિઝા પર વિદેશમાં વસતા હોવા છતાં એપીએમસીના ચેરમેન પદ માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. બાદમાં ચેરમેન તરીકે બીનહરીફ ચૂંટાયા હતા.
સામાન્ય રીતે સહકારી સંસ્થામાં ચૂંટણી પૂર્વે સંકલનની બેઠક યોજી, નામની ચર્ચા કરી, ચોક્કસ એક નામ નક્કી કરવામાં આવે છે કે મેન્ડેટ આપવામાં આવે છે. તેવામાં ચેરમેને પોતાના ભાઈ અને ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તેજસ પટેલ સાથે મળીને આવી કોઈ પ્રક્રિયા ન કરી ચૂંટણી બીનહરીફ કરાવી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા આટોપી લીધી હોવાના આક્ષેપ લાગ્યા છે.
આ મામલે પ્રદેશ ભાજપ સંગઠનના હોદ્દેદાર ગોરધન ઝડફિયાએ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખને કડક શબ્દોમાં સૂચના આપી તેમની પાસે ખુલાસો માંગ્યો છે.
જ્યારે ચેરમેન સંદિપ પટેલ તા.૧૭ નવેમ્બરે વિદેશ પરત ફરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી બંને ભાઈઓએ પેટલાદ એપીએમસીમાં પોતાનો કબજો જમાવી રાખ્યો હોવાથી માર્કેટિંગ યાર્ડ આર્થિક સંકટમાં હોવાના આક્ષેપ સહકારી આગેવાનોએ લગાવ્યા છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલને પુછતા તેમણે કોઈ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેમજ આ ઘટના સંદર્ભે તેઓ કંઈક છૂપાવી રહ્યા હોય તેવું વલણ જોવા મળ્યું હતું.