Get The App

આણંદ ખાતે સમુહ ચોપડા પૂજન કાર્યક્રમ યોજાયો

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
આણંદ ખાતે સમુહ ચોપડા પૂજન કાર્યક્રમ યોજાયો 1 - image


આણંદ : દિપોત્સવીના પાવન પર્વ નિમિત્તે આણંદના પ્રખ્યાત અક્ષરફાર્મ ખાતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં સમૂહ ચોપડા પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે આણંદ મંદિરે ભવ્ય અન્નકૂટ પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટયા હતા.

વિક્રમ સંવત ૨૦૭૯ના દિપોત્સવીના પાવન પર્વે આણંદ અક્ષરફાર્મમાં ગતરોજ સાંજે ૫ થી ૭ કલાક દરમ્યાન શ્રી અક્ષર પુરુષોત્તમ મહાપૂજા વિધિ સાથે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. 

કોઠારી પૂ.ભગવતચરણ સ્વામી સાથે સૌ હરિભક્તો પૂજન વિધિમાં જોડાયા હતા. વિદ્વાન પુરોહિત કનુભાઈ શાસ્ત્રીએ વેદોક્ત વિધિ પૂર્વક વૈદિક મંત્રોચ્ચાર સાથે સમુહ મહાપૂજા વિધિમાં સૌને જોડયા હતા. અક્ષરફાર્મની હરિયાળી ભૂમિ પર યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ લાઈટોથી શોભતા વૃક્ષો, સ્વર અને પ્રકાશના સંયોજન સાથેનું સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું. 

વિશેષમાં કાર્યક્રમના અંતે સહજ આનંદ મ્યુઝિક અને ફાયર  શો ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગુરૂવર્યો બહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજે વિશેષ કરીને ચોપડા પૂજન કાર્યક્રમને પ્રત્યેક મંદિરોમાં વ્યાપક બનાવ્યો છે. 

આજે અક્ષર મંદિર ગોંડલ ખાતે પણ પરમ પૂજય મહંતસ્વામી મહારાજે ચોપડા પૂજન કરીને સૌને તન, મન અને ધનથી સુખી થવાના શુભ આશીર્વાદ આપ્યા છે ત્યારે આણંદ ખાતે પણ સૌ હરિભક્તો ચોપડા પૂજનના કાર્યક્રમમાં સામેલ થઈ ધન્ય બન્યા છે. 

આ પ્રસંગે સૌની સુખાકારી માટે કોઠારી પૂજ્ય ભગવતચરણ સ્વામીએ ઠાકોરજી સમક્ષ ખાસ પ્રાર્થના કરી આજરોજ સોમવારના દિવસે આણંદ મંદિરે યોજાનાર ભવ્ય અન્નકૂટના દર્શને પધારવા અનુરોધ કર્યો હતો.


Google NewsGoogle News