કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજ થતાં દોડધામ, 5 ગામને અસર

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજ થતાં દોડધામ, 5 ગામને અસર 1 - image


- ખંભાતની કલમસર ગામની ઘટના : આસપાસની શાળાના વિદ્યાર્થીઓને તુરંત ઘરે રવાના કરાયા 

- રોહન ડાઈઝ કંપનીમાં વેસલમાં ભરેલો ક્લોરો ગેસ લીકેજ થયો : આસપાસના ગામોના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી

આણંદ : આણંદ જિલ્લાના ખંભાતના કલમસર ખાતે આવેલી ખાનગી કંપનીમાં મંગળવારે સવારના સુમારે ઝેરી ગેસ લીકેજ થતાં ભારે અફરાતફરી મચી હતી. ઝેરી ગેસ વાતાવરણમાં ફેલાતા કલમસરની આજુબાજુમાં આવેલા પાંચ જેટલા ગામોમાં વસતા ગ્રામજનોને શ્વાસ લેવામાં તકલીફ થતા અધિકારીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ખંભાતના કલમસર ખાતે આવેલી રોહન ડાઈઝ નામની કંપનીમાં આજે મંગળવારે વહેલી સવારે એક વેસલમાં ભરેલા ક્લોરો ગેસ બોટલમાંથી લીકેજ થવાની ઘટના બની હતી. આ ઝેરી ગેસ લીકેજ થતા કંપનીમાં ભારે અફરાતફરી મચી હતી. 

ઝેરી ગેસ લીકેજ થઈ વાતાવરણમાં ફેલાતા ખંભાતના જેતપુરા, બાજીપુરા, પંડોળીયાપુરા, જાંગીરપુરા સહિતના ગામોના રહીશોને વહેલી સવારે શ્વાસ લેવાની તકલીફ થઈ હતી. દરમિયાન આ ઘટનાની જાણ ખંભાતના મામલતદાર તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને થતા મામલતદાર તેમજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને રોહન ડાઈઝ નામની કંપની ખાતે તપાસ હાથ ધરી છે.

ગેસ લીકેજની આ ઘટનાથી આસપાસના વિસ્તારની શાળામાં પણ અસર પહોંચી હતી. બનાવ બનતા વિદ્યાર્થીઓને તુરત જ ઘરે રવાના કરાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે સ્થાનિક અધિકારીઓની મીલીભગતથી ખંભાતમાં કેમીકલ માફિયાઓ બેફામ બન્યા હોવાના આક્ષેપો વચ્ચે અવારનવાર વિવિધ કંપનીઓમાંથી ગેસ લીકેજની ઘટનાઓ ઘટતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.

દૂષિત પાણી અને ઝેરી ગેસ છોડતી કંપનીઓને ખંભાતી તાળાં મારવા માંગ 

ખંભાત આસપાસના વિસ્તારોમાં અવારનવાર ખાનગી કંપનીઓમાંથી દૂષિત પાણી તથા ઝેરી ગેસ  છોડવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠે છે. તેવામાં આસપાસના ગ્રામજનોને તો નુક્સાન પહોંચી જ રહ્યું છે સાથે સાથે પશુઓના સ્વાસ્થ્ય પર પણ અસર પહોંચી રહી છે. ઉપરાંત દૂષિત પાણી અને ઝેરી ગેસથી ખેતી પાકો તથા ખેડૂતોની જમીનોને વ્યાપક નુક્સાન પહોંચી રહ્યું હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. તેવામાં આવી ખાનગી કંપનીઓને ખંભાતી તાળાં મારવામાં આવે તેવી માંગ ઉઠી છે.  


Google NewsGoogle News