યુકે વિઝાના નામે નડિયાદના પશુપાલક સાથે રૂપિયા 6 લાખની છેતરપિંડી
- રૂપિયા લીધા બાદ ઓફિસ બંધ કરી દીધી
- આણંદના સરદારગંજ વિસ્તારની વિઝા કન્સલ્ટન્સીના સંચાલક તથા મહિલા વિરૂદ્ધ ફરિયાદ કરાઇ
નડિયાદના મિશન રોડ પર આવેલી મિલાપ નગરી સોસાયટીમાં રહેતા વેલેરીયન પાઉલભાઈ મેકવાન પશુપાલનનો વ્યવસાય કરે છે. ગત ઓક્ટોબર ૨૦૨૨માં એક જાહેરાત જોઈ વિદેશ જવા માટે તેઓએ જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વેલેરીયન મેકવાન આણંદના સરદાર ગંજ વિસ્તારમાં આવેલી ગોકુલધામ આર્કેડ ખાતેની પરફેક્ટ કેરીયર કન્સલ્ટન્સીની ઓફીસે મળવા માટે આવ્યા હતા. જ્યાં ઓફીસમાં ધીરુભાઈ નરસિંહભાઈ પરમાર તથા શ્રીના ઉર્ફે પ્રિયા પટેલ અને રોબર્ટભાઈને મળ્યા હતા.
ધીરુભાઈએ તેઓને યુ.કે. વર્ક પરમીટની વેકેન્સી છે જો તમારે જવું હોય તો રૂા.૧૩ લાખ ખર્ચ થશે તેમ કહેતા વેલેરીયને જવા માટે ઈચ્છા દર્શાવી હતી. બાદમાં સૌપ્રથમ રૂા.૬ લાખ રોકડા આપવાનું કહ્યું હતું અને ત્યારબાદ ઓફીસમાં શ્રીના ઉર્ફે પ્રિયા પટેલ સાથે સંપર્ક કરાવતા વેલેરીયન મેકવાને બંને ઉપર વિશ્વાસ રાખી તેઓના કહેવા મુજબ ડિસેમ્બર-૨૦૨૨માં આણંદ સરદાર ગંજ ખાતેની ધીરુભાઈની ઓફીસ ખાતે આવી વેલેરીયન મેકવાન તથા તેઓની માતાએ રૂા.૬ લાખ રોકડા તથા પોતાનો પાસપોર્ટ અને ધો.૧૦-૧૨ની અસલ માર્કશીટો આપી હતી. ત્યારબાદ શ્રીના ઉર્ફે પ્રિયા પટેલે વેલેરીયનને મુંબઈ જવાનું છે ટિકિટ બુક કરાવો તેમ કહેતા માતા-પુત્ર બંને મુંબઈ મુકામે ચર્ચગેટ ખાતે ગયા હતા અને ત્યાં ખાનગી હોસ્પિટલમાં મેડિકલ તપાસણી કરાવ્યા બાદ શ્રીના ઉર્ફે પ્રિયા પટેલ તથા ધીરુભાઈએ અમે વિઝા ઓફીસે જઈ વિઝા નક્કી કરાવીએ છીએ, તમે બંને નડિયાદ પરત જાવ તેમ કહેતા માતા-પુત્ર બંને નડિયાદ આવી ગયા હતા. જો કે ત્યારબાદ ફેબુ્રઆરી-૨૦૨૩માં વેલેરીયનની માતાએ શ્રીના ઉર્ફે પ્રિયા પટેલને ફોન કરતા ફોન સ્વીચઓફ આવતો હતો.
જેથી ધીરુભાઈને આ અંગે પૂછતા ધીરુભાઈએ ચિંતા ના કરશો હું તમને બધું પાછું અપાવી દઈશ અને વિદેશ મોકલી આપીશ તેવું કહ્યું હતું. જો કે ત્યારબાદ અવારનવાર ફોન કરવા છતાં બંને જણે વાયદા કરી ઓફીસ પણ બંધ કરી દીધી હતી અને ફોન પણ બંધ કરી દીધા હતા. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વેલેરીયન મેકવાને આ અંગે આણંદ શહેર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ધીરુભાઈ નરસિંહભાઈ પરમાર અને શ્રીના ઉર્ફે પ્રિયા પટેલ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.