આણંદ જિલ્લામાં મહેસૂલી રેકર્ડ ક્ષતિ સુધારણા, વારસાઈની ઝૂંબેશ
- એક મહિનો મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમો યોજાશે
- ખેડૂત ખાતેદારોને વિનામૂલ્યે ગામ નમુના નં.-7 ની નકલ અપાશે : તાલુકાઓમાં 6 તબક્કામાં કેમ્પોનું આયોજન
જિલ્લામાં મહેસૂલી રેકર્ડમાં મૃતકોના નામો ગામ નમુના નં.૭માં વારસાઈ ન થવાના કારણે કબજેદાર તરીકે છે. ઉપરાંત મહેસુલી રેકર્ડમાં ઘણી ક્ષતિઓ ધ્યાને આવી છે. જે અન્વયે આ ઝુંબેશ હેઠળ તા.૧૧મી નવેમ્બરથી તા.૧૧મી ડિસેમ્બર સુધી જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં ક્લસ્ટર બનાવી મહેસુલી સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંબંધિત પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ યોજાશે. દરેક તાલુકામાં ૬ તબક્કામાં ગામોના ક્લસ્ટરમાં કેમ્પ યોજવામાં આવશે. જેની આગોતરી જાણ અરજદારોને કરવામાં આવશે.
મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત દરેક ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે ગામ નમુના નં.૭ની નકલ આપવામાં આવશે. અરજદારો પાસેથી વારસાઈની અરજીઓ મેળવી સ્વ-ઘોષણા આધારે જ પેઢીનામા બનાવવામાં આવશે. તલાટી કમ મંત્રીના મરણ રજિસ્ટર આધારે ખાત્રી કરી પેઢીનામા સહિત વારસાઈની અરજી સ્વીકારવામાં આવશે. જે બાદ સંબંધિત મામલતદાર દ્વારા કોઈ મનાઈ હુકમ, તકરાર, અગાઉની તબદીલીઓની વિગતો ધ્યાને લઈ ખાત્રી કરીને નોંધ પાડવામાં આવશે.
ઉપરાંત આ કાર્યક્રમમાં રેવન્યુ રેકર્ડમાં થયેલી ક્ષતિ બાબતે સંબંધિત ખેડૂત પાસેથી ક્ષતિ સુધારણાની અરજી મેળવી મામલતદાર કચેરી ખાતે ઉપલબ્ધ રેકર્ડની નકલો અરજદાર પાસેથી મેળવવાનો આગ્રહ રાખવામાં નહીં આવે. એમ જિલ્લા કલેકટરે યાદીમાં જણાવ્યું છે.