ડાકોરમાં વોર્ડ નંબર-4 માં અનિયમિત અને પ્રદુષિત પાણી આવતા રહિશો પરેશાન

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
ડાકોરમાં વોર્ડ નંબર-4 માં અનિયમિત અને પ્રદુષિત પાણી આવતા રહિશો પરેશાન 1 - image


- ફાગણી પૂનમની તૈયારીઓ વચ્ચે પાણીનો કકળાટ

- પાલિકાતંત્રની બેદરકારી સામે લોકોમાં આક્રોશ

આણંદ : ડાકોરમાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાનું પાણી ગંદુ,દુર્ગંધયુક્ત આવતું હવાની ભારે  બૂમ ઉઠી છે. ડાકોરના વોર્ડ નં.૪ના રહીશો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી છે. જિલ્લા કલેક્ટરની અધિકારીઓ સાથેની બેઠકમાં આગામી દિવસોમાં હોળી-ધૂળેટીના તહેવારને લઈ સુવ્યવસ્થા અંગે તાકીદ કરવામાં આવી હોવા છતાં   કોઇ સુધારો જોવા મળ્યો નથી.

યાત્રાધામ ડાકોરમાં નાગરિકો તથા વેપારીઓ દ્વારા લાખો રૂપિયાનો ટેક્સ નગરપાલિકામાં ભરવા છતાં શહેરની જનતાને સુવિધાઓથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. તેમાંય છેલ્લાં કેટલાક સમયથી પાલિકાના અણઘડ વહિવટને કારણે શહેરીજનોને પીવાનું પાણી ન મળતું હોવાની બૂમ ઉઠી છે.

 ડાકોરના વોર્ડ નં.૪ના રહીશો ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયાં છે.  આ અંગે વોર્ડ નં.૪ના રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા ચારેક દિવસથી તેઓને પાણી નહીં મળતા વલખાં મારવાનો વારો આવ્યો છે. 

સ્કૂલે જતા બાળકો તથા ગૃહિણીઓને રસોઈ કામ સહિત રોજબરોજના કામમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ડાકોરના કેટલાક વિસ્તારોમાં તો પીવાના પાણી સાથે ગટરનું ગંદુ પાણી મીક્સ થઈને આવતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે. 

હોળીના તહેવાર દરમ્યાન યાત્રિકોનો ડાકોર ધામમાં ભારે ધસારો થતો હોય છે અને છાસવારે સર્જાતી પાણી સહિતની વિવિધ સમસ્યાઓથી શ્રધ્ધાળુઓ પણ અસરગ્રસ્ત થઈ શકે છે. 

ત્યારે ડાકોર નગરપાલિકાના સત્તાધીશો જાહેર જનતાને સુવિધાઓ પૂરી પાડવામાં ઊણા ઉતર્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.


Google NewsGoogle News