ડિમોલેશન સમયે તૂટેલી ગટર લાઈનનું સમારકામ બે મહિનાથી અદ્ધરતાલ
- સોજિત્રા ચોકડી પર ગટરના પાણી રેલાયા
- શહેરમાં બુલડોઝરથી દબાણો દૂર કરવા સમયે ગટરની મુખ્ય લાઈન તૂટી ગઈ હતી
સોજિત્રા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી સોજિત્રા ચોકડી ખાતે લગભગ બે માસ પૂર્વે તંત્ર દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.
જેમાં જેસીબી મશીનથી દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન ગટરની મેઈન લાઈન તૂટી ગઈ હતી. જે અંગે નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર દ્વારા સોજિત્રા નગર પાલિકા તંત્રને અવારનવાર લેખીત-મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી ગટર લાઈનના સમારકામ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જેને લઈ ગટરના ગંદા પાણી જાહેરમાં રેલાઈ રહ્યાં છે. ઉપરાંત નજીકમાં જ પાણીની લાઈન પણ લીકેજ હાલતમાં હોવાથી ગટરના ગંદા પાણી ઘરવપરાશના પાણીમાં ભળતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેને લઈ આ વિસ્તારમાં રોગચાળારૂપી આફત ત્રાટકે તેવી ભીતિ સેવાઈ રહી છે. પાલિકા સમક્ષ સ્થાનિકો દ્વારા અનેકવાર મૌખિક રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધિશો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં દુર્લક્ષ સેવી રહ્યાં હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો છે.
પાલિકા તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.