Get The App

આણંદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર વેચવા માટે માત્ર 970 ખેડૂતોની નોંધણી

Updated: Nov 11th, 2024


Google NewsGoogle News
આણંદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર વેચવા માટે માત્ર 970 ખેડૂતોની નોંધણી 1 - image


- જિલ્લાના માર્કેટયાર્ડોમાં ડાંગરની પુષ્કળ આવક શરૂ

- ભાલ સહિત ખંભાતમાં ડાંગરનો ઉતારો વધુ આવતા ઉત્પાદન વધશે  ખંભાત યાર્ડમાં 12 લાખ ક્વિન્ટલ ડાંગરની આવક થવાનો અંદાજ

આણંદ : આણંદ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર વેચવા માટે ખેડૂતોનો નિરૂત્સાહ જોવા મળી રહ્યો છે. ૯૭૦ જેટલા ખેડૂતોએ જ ટેકાના ભાવે ડાંગર વેચવા માટે નોંધણી કરાવી છે. ભાલ સહિત ખંભાતમાં ડાંગરનો ઉતારો વધુ આવતા ઉત્પાદન વધરે થવાનો અંદાજ છે. બીજી તરફ જિલ્લાના માર્કેટયાર્ડોમાં ડાંગરની પુષ્કળ આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગરના મણ દિઠ રૂા. ૪૭૫ જાહેર કરાયા છે. જ્યારે ખૂલ્લા માર્કેટમાં ૨૦ કિલોના ખેડૂતોને રૂા. ૬૦૦ ભાવ મળી રહ્યા છે.

આણંદમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદના લીધે ભાલપંથક સહિત જિલ્લામાં ડાંગરના પાકને નુકસાન થયું હતું. ડાંગરની કાપણીની સિઝન થઈ છે. ત્યારે આણંદ જિલ્લામાં ડાંગરનું વિક્રમજનક ઉત્પાદનની સંભાવનાઓ જોવા મળી રહી છે. આણંદ જિલ્લામાં ખેતીવાડી વિભાગના આંકડા પ્રમાણે ૧,૨૯,૭૯૩ હેક્ટર ડાંગરનું વાવેતર કરાયું હતું. જિલ્લામાં ડાંગરની સૌથી વધુ આવક ધરાવતી ખંભાત માર્કેટયાર્ડના અંદાજ મુજબ ખંભાત એપીએમસીમાં ચાલુ વર્ષે ૧૨ લાખ ક્વિન્ટલ જેટલી ડાંગર આવવાની ગણતરીના આંકડા મુકાઈ રહ્યા છે. જેમાંથી અંદાજિત ૫,૦૦,૦૦૦ ક્વિન્ટલ ડાંગર ખંભાત એપીએમસીમાં જ્યારે ૭,૦૦,૦૦૦ ક્વિન્ટલ ખેડૂતો દ્વારા ડાયરેક્ટ તાલુકાની ડાંગરની મિલોમાં પહોંચે તેવી ધારણા છે. વરસાદથી ડાંગરને અંદાજે ૧૫ ટકા નુકસાનના અંદાજ વચ્ચે ગત વર્ષ કરતા ડાંગરનો ઉતારો વધુ હોવાથી ઉત્પાદન વધુ થવાની સંભાવનાઓ છે.

ખંભાત એપીએમસીના ચેરમેન ગિરિશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારે આ વર્ષે ડાંગરનો ૨૦ કિલોએ ટેકાનો ભાવ રૂા. ૪૭૫ જાહેર કર્યો છે. જેમાં જાડી ગુજરાત-૧૩ અને મોતી ડાંગરનો સમાવેશ થાય છે. ખંભાત અને ભાલમાં રોપણી કરાતી ઊંચી જાતની શ્રીરામ ગુજરાત-૧૭નો ભાવ હાલ ખંભાત એપીએમસીના વેપારીઓ પ્રતિ ૨૦ કિલોએ રૂા. ૬૦૦ પ્રમાણે ખરીદી રહ્યા છે.  વરસાદમાં પલળી ગયેલી ડાંગરનો ભાવ પણ ૩૫૦થી ૪૦૦ રૂપિયા સુધીનો બજારમાં જોવા મળે છે. જેમાં જયા ડાંગરના રૂા. ૩૫૦, ગુજરાત- ૧૭ના રૂા. ૪૪૦ તથા જાડી ડાંગરના રૂા. ૩૮૦ પ્રતિ ૨૦ કિલો ભાવ બજારમાં ચાલી રહ્યો છે. આણંદ જિલ્લા ખેતીવાડી વિભાગના ચેતન પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે ૩૭૦૦થી વધુ ખેડૂતોએ ડાંગર વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને પ્રતિ હેક્ટર ૨,૭૪૦ કિ.ગ્રા. ડાંગરનું ઉત્પાદન થયું હતું. જેની સરખામણીએ ચાલુ વર્ષે અંદાજિત ૯૭૦ ખેડૂતોએ જ નોંધણી કરાવી છે અને ઉત્પાદનના આંકડા ડાંગર કાપણી પૂર્ણ થયા બાદ ડિસેમ્બરના અંત સુધીમાં આવવાની સંભાવના છે. 

ખંભાત ખરીદ વેચાણ સંઘ દ્વારા દૈનિક રૂા. 70 લાખની ડાંગરની ખરીદી

ખંભાત તાલુકા ખરીદ વેચાણ સંઘના વાઈસ ચેરમેન કલ્પેશભાઈ પંડિતે જણાવ્યું હતું કે, સંઘ દ્વારા ખેડૂતોની સગવડ માટે રોજે રોજ ડાંગરની કિંમત રોકડા ચૂકવવામાં આવતી હોય છે. 

જેમાં તોલ પણ સાફ હોય છે. ખરીદ વેચાણ સંઘ દ્વારા હાલ દૈનિક ૭૦ લાખ રૂપિયાથી વધુ કિંમતની ડોંગરની ખરીદી શરૂ કરી દેવાઈ છે. દેવદિવાળી પછી આ આંકડો દૈનિક એક કરોડ રૂપિયાથી પણ વધુ થતો હોય છે. 

ખંભાત એપીએમસીમાં વેપારીઓ દ્વારા કરવામાં આવતી ડાંગરની ખરીદીના રૂપિયા અંદાજિત ચાર દિવસ પછી ચેક દ્વારા મળતા હોય છે. જેથી કેટલાક ખેડૂતો રૂપિયા રોકડા માટે ખંભાત તાલુકા ખરીદી વેચાણ સંઘમાં પણ ડોંગર વેચતા હોય છે.

ક્યાં કેટલું વાવેતર

તાલુકો

વાવેતર (હેક્ટરમાં)

ખંભાત

૩૪,૯૫૦

તારાપુર

૨૫,૫૭૪

પેટલાદ

૧૩,૩૧૪

સોજિત્રા

૧૨,૪૭૭

કુલ

૮૬,૩૧૫


Google NewsGoogle News