આણંદ જિલ્લાના 43 હજારથી વધુ ખેડૂતોનું રજિસ્ટ્રેશન હજૂ બાકી
- ફાર્મર રજિસ્ટ્રેશનની મુદ્દત લંબાવાઈ
- સર્વર અપડેટ કરવા 3 દિવસ પોર્ટલ બંધ : સર્વરના પ્રોબ્લેમ અને ઈન્ટરનેટના ધાંધિયાના કારણે ખેડૂતોને હાલાકી
રાજ્યભરના પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોને કિસાન નિધિ પોર્ટલ પર ફાર્મર રજિસ્ટ્રી હેઠળ તા. ૨૫ નવેમ્બર પહેલા નોંધણી કરાવવાની હતી. ગત તા.૧૫ ઓક્ટોબરથી શરૃ થયેલા રજિસ્ટ્રેશનમાં આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩,૩૮,૩૬૧ ખેડૂતો પૈકી ૨.૯૫ લાખ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવી લીધી છે. જ્યારે હજૂ પણ ૪૩,૧૭૨થી વધુ ખેડૂતોને રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી છે. ફાર્મર રજિસ્ટ્રીના શરૃઆતથી જ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સર્વરના પ્રોબ્લેમ અને ઈન્ટરનેટના ધાંધિયાના કારણે ખેડૂતોને રજિસ્ટ્રેશન માટે દોડધામ કરવી પડી રહી છે. તેવામાં અંતિમ દિવસોમાં રજિસ્ટ્રેશન માટે ગ્રામ પંચાયત, સીએસસી અને ખાનગી કમ્પ્યુટર સેન્ટરોમાં ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે.
તેવામાં ખેતી નિયામક કચેરી. ગાંધીનગર ખાતેથી શુક્ર, શનિ અને રવિવારના રોજ કેવાયસી રજિસ્ટ્રીનું કામ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
ત્રણ દિવસ પોર્ટલ બંધ રહેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. જોકે, સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રી માટેની મુદ્દત લંબાવીને તા.૩૦ નવેમ્બર કરી આપવામાં આવી છે.
પોર્ટલ બંધ રાખવા ગાંધીનગરથી આદેશ : બોરસદ પ્રાંત અધિકારી
બોરસદના પ્રાંત અધિકારી એ.એમ. પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરથી આવેલા આદેશ મુજબ કિસાન નિધિ પોર્ટલમાં ફેરફાર કરવાનો છે. તેમજ ડેટાબેઝની કામગીરી પણ શરૃ કરાઈ છે. ગાંધીનગર કચેરી ખાતે સર્વરને ફરી અપડેટ કરવામાં આવી રહ્યું છે. જેથી શુક્ર, શનિ અને રવિવારના રોજ કેવાયસી રજિસ્ટ્રીનું કામ બંધ રાખવાનો આદેશ અપાયો છે. પરંતુ ખેડૂતોની નોંધણી માટે રાજ્ય સરકાર દ્વારા વધુ સમય લંબાવી આપવામાં આવશે.
આણંદ જિલ્લાના લાભાર્થી ખેડૂતો
તાલુકા |
ખેડૂતોની
સંખ્યા |
બોરસદ |
૭૯,૫૨૧ |
પેટલાદ |
૪૮,૬૩૧ |
સોજિત્રા |
૨૦,૦૧૯ |
તારાપુર |
૨૧,૪૮૯ |
ઉમરેઠ |
૩૧,૨૨૬ |
ખંભાત |
૫૦,૭૦૮ |
આણંદ |
૫૨,૧૬૯ |
આંકલાવ |
૩૪,૫૯૮ |
કુલ |
3,38,361 |