આણંદ-સોજિત્રા રોડ ઉપરથી કાચા-પાકા દબાણો દુર કરાયા
- ટ્રાફિકને લઇને કાર્યવાહી કરવામાં આવી
આણંદ : આણંદ સોજિત્રા રોડ ઉપર આવેલ સોજિત્રા ચોકડીની આસપાસમાં છેલ્લા ઘણાં સમયથી ગેરકાયદેસર કાચા-પાકા દબાણો ખડકાતા માર્ગ સાંકડો થઈ જવા પામ્યો હતો. જેને લઈ માર્ગ મકાન વિભાગ તથા હાઈવે ઓથોરિટી દ્વારા આજે સવારના સુમારે સોજિત્રા ચોકડી ખાતે ખડકાયેલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી.
સોજિત્રા ચોકડી ખાતે છેલ્લા ઘણાં સમયથી ગેરકાયદેસર દબાણોનો ખડકલો જામ્યો હતો. આણંદ-સોજિત્રા રોડને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ કોઈ કારણોસર છેલ્લા ઘણા સમયથી આ કામગીરી પડતર રખાઈ હતી. સોજિત્રા ચોકડી ખાતે ખડકાયેલ ગેરકાયદેસર દબાણોના કારણે ફોર લેનની કામગીરી ટલ્લે ચઢી હતી. આજે સવારના સુમારે માર્ગ મકાન વિભાગ તથા સ્ટેટ હાઈવે ઓથોરિટીની ટીમ સોજિત્રા ચોકડી ખાતે પહોંચી હતી અને ગેરકાયદેસર ખડકાયેલા કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો.
સોજિત્રા ચોકડી ખાતે કેટલાક દુકાનદારો દ્વારા પાકું બાંધકામ કરી દબાણ કરાયું હતું. તો કેટલાક દુકાનદારોએ દુકાનોની બહાર શેડ તાણી બાંધ્યા હતા. સાથે સાથે કેટલાક વેપારીઓએ હાટડીઓ બાંધી દીધી હોઈ ફોર લેનની કામગીરી અટકી હતી. જેને લઈ તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી અને બપોર સુધીમાં કાચા-પાકા ત્રીસ જેટલા ગેરકાયદેસર દબાણો દુર કરી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આવનાર સમયમાં ફોર લેન માર્ગની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું.