આણંદના નવા બસ મથકથી 2.82 લાખના દાગીના ભરેલા પર્સની ચોરી

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
આણંદના નવા બસ મથકથી 2.82 લાખના દાગીના ભરેલા પર્સની ચોરી 1 - image


- બસ સ્ટેન્ડમાં ભીડનો લાભ ઉઠાવીને ગઠિયો કળા કરી ગયો  

- મહિલા પાણીની બોટલ લેવા જતી વખતે થેલાની ચેઇન ખુલી હોવાથી ચોરી થવાની જાણ થઇ 

આણંદ : આણંદ શહેરમાં બે દિવસ પૂર્વે કોઈ અજાણ્યો ગઠિયો નવા બસ મથક ખાતે મહિલાના પર્સની ચેઈન ખોલી અંદરથી રૂા.૨.૮૨ લાખની મત્તાના સોનાના દાગીના ભરેલો કોથળીની ચોરી કરી ગયો  છે. આ બનાવ અંગે મહિલાએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

વડોદ રેલ્વે સ્ટેશનની બાજુમાં રહેતા હિનાબેન ધર્મેન્દ્રસિંહ ઝાલા મોરબી ખાતે રહેતા કૌટુંબિક નણંદના લગ્ન લીધા હોવાથી ગત તા.૩ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજના સુમારે પતિ તેમજ દોઢ વર્ષની પુત્રી સાથે મોરબી જવા માટે આણંદના નવા બસ મથક ખાતે આવ્યા હતા. જો કે મોરબીની ડાયરેક્ટ બસ ન હોવાથી વાયા અમદાવાદ થઈ મોરબી જવાનું નક્કી થતા આણંદથી અમદાવાદ જતી એસ.ટી. બસમાં ચઢ્યા હતા. આ સમયે મુસાફરોની વધુ ભીડ હોવાથી  કોઈ અજાણ્યો ગઠીયો તેઓના પર્સની ચેઈન ખોલી અંદર મુકેલા રૂા.૨.૮૨ લાખના સોનાના દાગીના મુકેલ કોથળી સીફતપૂર્વક ચોરી કરી લઈ ગયો હતો. દરમિયાન બસ આણંદથી ઉપડીને એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા ટોલનાકા ખાતે પહોંચતા દોઢ વર્ષીય પુત્રીએ રડવાનું ચાલુ કરતા હિનાબેને પોતાના લેડીઝ પર્સમાં મુકેલા પાણીની બોટલ લેવા જતા પર્સની ચેઈન અડધી ખુલ્લી હોવાનું માલુમ પડયુ હતું અને અંદરના ચેઈનવાળુ ખાનુ પણ ખુલ્લુ જોવા મળતા તપાસ કરતા રૂા.૨.૮૨ લાખના સોનાના દાગીના ભરેલી કોથળી ગાયબ હોવાનું માલુમ પડયું હતું. જેથી બસમાં તપાસ કરતા સોનાના દાગીના મળી ન આવતા બસમાં ચઢતી વખતે કોઈ ગઠીયો ચોરી કરી લઈ ગયો હોવાનું ખુલ્યું હતું. આ બનાવ અંગે હિનાબેન ઝાલાએ આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ગઠીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News