આણંદ અને ખેડા જિલ્લામાં ધનતેરસે અંદાજે રૂપિયા 16 કરોડના સોના-ચાંદીની ખરીદી
- ચરોતરમાં ધનતેરસ પર્વની આસ્થાબેર ઉજવણી
- ગોમતી ચક્ર, શ્રીફળ, શંખ, કમળ સાથે લક્ષ્મીજી અને કુબેરનું પૂજન કરાયું : જૂના ચલણી સિક્કા, દાગીનામાં વધારો કરી પૂજા કરાઈ : સોના-ચાંદીના દાગીના, વાહન, વસ્ત્રો સહિતનાની ખરીદી
આણંદ અને ખેડા જિલ્લામાં સવારથી જ લોકો સોનીની દુકાનોએ પહોંચ્યા હતા અને ભાવ ઉંચો હોવા છતાં યથાશક્તિ ખરીદી કરી હતી. આણંદ જિલ્લામાં ધનતેરસ પર્વે અંદાજે રૂ.૭થી ૮ કરોડનો સોનાનો અને રૂ.૧થી દોઢ કરોડ ચાંદીનો વેપાર થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. જ્યારે ખેડા જિલ્લામાં પણ રૂ. ૭થી ૮ કરોડના સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવામાં આવી હતી.તેમજ ધનતેરસ પર્વે લોકોએ મહાલક્ષ્મી માતાની પૂજા-અર્ચના કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓએ અમૃત પ્રાપ્તિ માટે કરેલા સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે પ્રગટેલા મહાલક્ષ્મી મોક્ષદાતા છે.
જિલ્લાવાસીઓએ પોતાના ઘરમાં તથા મંદિરોમાં લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરી હતી. સાંજના સમયે શુભ મુહૂર્તમાં પોતાના ઘરે લક્ષ્મીજીને પ્રિય લાલ પુષ્પો, શંખ, ગોમતીચક્ર, શ્રીફળ મુકીને પૂજાની શરૂઆત કરી હતી. ધનપૂજાની સાથે સાથે કુબેરની પૂજા કરવામાં આવી હતી.
ઘરની તિજોરીમાં તથા કબાટમાં ધન ન ખૂટે તે હેતુસર કેટલાક લોકોએ પૂજા-અર્ચના બાદ શ્રીયંત્ર પોતાના ઘરમાં રાખ્યુ હતુ. તો કેટલાક લોકોએ ગત વર્ષે પૂજનમાં જે સિક્કાઓ તથા સોના-ચાંદીના દાગીના મુક્યા હતા તેમાં એકનો વધારો કરીને પૂજા કરી હતી. આ દિવસ શુભ હોવાથી લોકોએ સોના-ચાંદી, વાહન, વસ્ત્ર, અલંકાર અને રત્નની ખરીદી કરી હતી.