Get The App

ડાકોરના ગોમતી તળાવમાંથી કાઢેલી વેલનું જાહેરમાં નિકાલ કરાતા હાલાકી

Updated: Feb 21st, 2024


Google News
Google News
ડાકોરના ગોમતી તળાવમાંથી કાઢેલી વેલનું જાહેરમાં નિકાલ કરાતા હાલાકી 1 - image


- માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો 

- ગાંધીબાગ જવાના માર્ગ પર વેલના ઢગ ખડકી દેવાતા દર્શનાર્થીઓને પરેશાની 

આણંદ : ડાકોરના હોડીવાળા મહારાજ ગોપાલદાસ તથા બેઠક નજીકના વિસ્તારમાં જંગલી વનસ્પતિના ઢગ ખડકાતા સ્થાનિકોએ ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. ગાંધી બાગ તરફ જવાના માર્ગ ઉપર રસ્તાની બંને સાઈડમાં તંત્ર દ્વારા જંગલી વનસ્પતિના ઢગ ખડકી દેવાતા શ્રધ્ધાળુઓ હેરાનપરેશાન થઈ રહ્યાં છે.

ડાકોર નગરપાલિકા હસ્તકના ગાંધીબાગનું સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ છતાં નગરપાલિકાના સત્તાધિશો આ બાગની સાચવણી કરવામાં ઊણા ઉતર્યા હોવાનો રોષ નગરજનોમાં વ્યાપ્યો છે. 

ગાંધી બાગ તથા મહાપ્રભુજીની બેઠક અને હોડીવાળા મહારાજના મંદિર તરફ જવાના માર્ગની બંને સાઈડે જંગલી વનસ્પતિના ઢગ ખડકાયા છે. 

 ગટરના ગંદા પાણી પણ જાહેરમાં રેલાઈ રહ્યાં છે. ગોમતી તળાવમાંથી કાઢવામાં આવેલી જંગલી વેલ આ વિસ્તારમાં ઠાલવવામાં આવતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. અન્ય સ્થળોએથી આવતા યાત્રાળુઓ ગાંધી બાગની મુલાકાતે આવતા હોય છે, ત્યારે જંગલી વેલના કારણે તેઓ ક્ષોભ અનુભવી રહ્યાં હોવાનું જણાવે છે. 

માખી-મચ્છરનો ઉપદ્રવ પણ બેફામ બન્યો છે. સંબંધિત તંત્ર દ્વારા સત્વરે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.

Tags :
Public-disposal-of-vines-harvestedDakor-Gomti-lake

Google News
Google News