ચરોતરમાં લીલા શાકભાજીના ભાવ આસમાને : લીલું લસણ 600 નું કિલો
- શિયાળામાં શાકના ભાવે ગૃહિણીઓની ઠંડી ઉડાડી
- ઓક્ટોબરમાં પડેલા ભારે વરસાદને પગલે શાકભાજીના વાવેતરને નુકસાનથી સ્થિતિ ઉદ્ભવી
આણંદ : ચરોતરમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. લઘુતમ તાપમાનનો પારો ગગડીને ૧૩ ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમછતાં જિલ્લાભરના શાકમાર્કેટમાં શાકભાજીના ભાવ હજૂ આસમાને છે. તેમાં પણ જિલ્લામાં લીલુ લસણ ૬૦૦ રૂપિયા પ્રતિ કિલો જ્યારે સૂકું લસણ ૪૦૦થી ૫૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. પરિણામે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
આણંદ જિલ્લામાં મુખ્યત્વે ફ્લાવર, કોબીજ, મેથીની ભાજી, લસણ, રીંગણ, ટીંડોળા, ટામેટા, ગુવાર જેવા શાકભાજી પાકોનું વાવેતર થાય છે. ઠંડીની શરૂઆત થતાં જ બજારમાં લીલા શાકભાજીની આવક શરૂ થઈ જતાં શાકભાજીના ભાવોમાં ઘટાડો જોવા મળતો હોય છે. પરંતુ ચાલુ વર્ષે આણંદ સહિતના જિલ્લાઓમાં ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે વરસેલા વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાઈ રહ્યાં હતાં. પરિણામે ડાંગર સહિતના પાકોને પણ નુકસાન પહોંચ્યું હતું. શાકભાજીના વાવેતરને નુકસાન પહોંચતા નવેમ્બર મહિનો પૂરો થવાં આવ્યો છતાં શાકભાજીના ભાવો હજૂ આસમાને છે. જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ગૃહિણીઓ દ્વારા કેટલીક વાનગીઓમાંથી લસણનો ઉપયોગ ઓછો કે બંધ કરાયો છે.
હાલ લસણના ભાવમાં તેજી જોવા મળી રહી છે. છેલ્લા ચાર દિવસથી આણંદ શહેર સહિત જિલ્લાભરમાં લીલા લસણની આવક શરૂ થઈ છે પરંતુ તેનો ભાવ પ્રતિ કિલો રૂ.૬૦૦ સુધી પહોંચ્યો છે.
જ્યારે સુકા લસણનો ભાવ રૂ.૪૦૦થી ૫૦૦ છે. જોકે, કેટલાક ખેડૂતો દ્વારા વરસાદને કારણે શાકભાજીનું મોડું વાવેતર કર્યું હોવાથી ડિસેમ્બરના અંત સુધીમાં લીલા શાકભાજીની આવક વધતા ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ ગ્રાહકોમાં સેવાઈ રહી છે.