એસ.પી.યુનિવર્સિટીમાં એસટી બસના પાસ અંગે સૂત્રોચ્ચાર સાથે રજૂઆત
- એબીવીપીએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી
- કેટલીક કોલેજોમાં એસટી બસના પાસ કાઢી આપવામાં ના આવતા હોવાનો આક્ષેપ
આણંદ : વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની કેટલીક કોલેજોમાં વિદ્યાર્થીઓને એસટી બસના પાસ કાઢી આપવામાં ના આવતા એબીવીપી દ્વારા મંગળવારે યુનિ. ખાતે સૂત્રોચ્ચાર કરી યુનિ.ના કુલપતિને લેખિત રજૂઆત કરાઈ હતી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ.પ.યુનિ.ના કા.કુલપતિને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, યુનિ.ની કેટલીક કોલેજોના વિદ્યાર્થીઓને રાહત દરના એસટી બસના પાસ કાઢી આપવામાં આવતા નથી. જેને લઈ વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ અંગે એસટી ડેપોના સત્તાધિશોને રજૂઆત કરવામાં આવતા ડેપો મેનેજર દ્વારા અવારનવાર યુનિ.ને પત્રો લખી જાણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી વિદ્યાર્થીઓની આ સમસ્યાનો હલ થયો નથી. ત્યારે આગામી પાંચ દિવસમાં વિદ્યાર્થીઓની આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.