પેટલાદ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં આડેધડ ખાડા ખોદાયા
- રાત્રિ દરમિયાન અકસ્માતનો ભય, રાહદારીઓ પરેશાન
- ખોદકામને લગતી કામગીરી સત્વરે પુરી કરવામાં આવે, સલામતી માટેના સાઇન બોર્ડ મુકવા માંગ
પેટલાદ શહેરના મલાવ ભાગોળથી સાંઈનાથ મંદિર તરફ જવાના માર્ગ ઉપર પાલિકા તંત્ર દ્વારા ગટરલાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત માર્ગની સાઈડમાં મસમોટા ખાડા ખોદવામાં આવ્યા છે. જો કે છેલ્લા ઘણા સમયથી આ કામગીરી સાવ મંથર ગતિએ ચાલતી હોવાના કારણે આસપાસના સોસાયટીના રહીશોને માર્ગ પરથી અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માર્ગને અડીને જ મસમોટા ખાડા ખોદવામાં આવતા માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ખાડામાં પટકાવાનો અને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. મદની સોસાયટીની પાછળના વિસ્તારમાં તંત્ર દ્વારા ૧૫ થી ૨૦ ફૂટ ઉંડો ખાડો ખોદ્યા બાદ કામગીરી છેલ્લા કેટલાક દિવસથી બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોના માથે અકસ્માતનું જોખમ વધવા પામ્યું છે. પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે ત્યારે તંત્ર દ્વારા સત્વરે આ કામગીરી પુનઃ ચાલુ કરી વહેલી તકે પુરાણ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.