આણંદ જિલ્લામાં સોમવતી અમાસે શિવાલયોમાં દર્શનાર્થીઓ ઉમટયાં
- વહેરાખાડી સંગમતીર્થ ખાતે ભક્તોએ ડુબકી લગાવી પૂજન-અર્ચન કર્યું
આણંદ : આણંદ જિલ્લામાં સોમવતી અમાસે વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સાથે સાથે મહી કાંઠે ભક્તોએ નદીમાં ડૂબકી લગાવી પૂજન-અર્ચન કર્યું હતું.
સોમવતી અમાસ હોવાથી જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોએ શિવજીને બીલીપત્ર, દૂધ તથા જળથી અભિષેક કરી પૂજા-અર્ચના કરી હતી. સાથે સાથે પીપળાના વૃક્ષને પાણી રેડી પ્રતિક્રમણ કરી પૂજા કરવામાં આવી હતી. શિવાલયોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. મંદિરોમાં લઘુરુદ્ર યજ્ઞા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સોમવતી અમાસના સંયોગ વચ્ચે શિવ મંદિરો હર..હર.. મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા. સોમવતી અમાસને લઈ જિલ્લાના વહેરાખાડી, વાસદ, બદલપુર, કંકાપુરા, ધુવારણ ખાતે ભક્તો ઉમટયાં હતાં. આણંદ તાલુકાના વહેરાખાડી ગામ નજીક પવિત્ર સંગમતીર્થ હોવાથી સોમવતી અમાસના દિવસે મહી કાંઠે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું અને નદીમાં સ્નાન કરી ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી.