પૂનમે યાત્રાધામ ડાકોરમાં દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટી પડયો
- ઠાકોરજીને યજ્ઞોપવિત ધારણ કરી રક્ષા બંધાઇ
- રક્ષાબંધનના પવિત્ર દિવસે ભક્તોએ ઠાકોરજીને રાખડી પહેરાવી ધન્યતાની લાગણી અનુભવી
આણંદ : સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આજે શ્રાવણી પૂર્ણિમા પર શ્રી ઠાકોરજીને ઉત્સવ તિલક કરી યજ્ઞોપવિત ધારણ કરાઈ રક્ષા બાંધી ઉત્સવ (ઉત્થાપન) આરતી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ યાત્રાધામ ડાકોર ખાતે ભાવિકોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટયું હતું. આશરે એક લાખ કરતા વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શ્રી રણછોડરાયજી મંદિર ખાતે આજે શ્રાવણી પૂર્ણિમા એટલે રક્ષાબંધનના દિવસે બપોરના ૪ કલાક બાદ ઠાકોરજીને ઉત્સવ તિલક કરી યજ્ઞોપવિત ધારણ કરાઈ રક્ષા બાંધી ઉત્સવ (ઉત્થાપન) આરતી કરવામાં આવી હતી. પૂનમને લઈ મંદિર પરિસર અને મંદિરની બહાર ગતરોજ રાત્રીથી જ દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી.
કેટલાક ભક્તો આખી રાત ડાકોરની ગલીઓમાં અને ગોમતી કિનારે વિશ્રામ કરી રાત ગુજારતા નજરે પડયા હતા.
શ્રી રણછોડરાયજી ટેમ્પલ કમિટિ દ્વારા જાહેર કરાયેલ દર્શનના સમય મુજબ મંદિર ખુલ્લા રખાયા હતા અને દર્શનાર્થીઓ ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.