આણંદ રેલવે સ્ટેશને ટ્રેનોને રોકી દેતા મુસાફરો અટવાયા
- મુંબઈમાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતરી જતા
- એક્સ્ટ્રા 25 બસો મારફતે ટ્રેનના મુસાફરોને મુંબઈ તરફ રવાના કરાયા
મુંબઈના પાલઘર નજીક બુધવારે સવારે એક માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી જતા અમદાવાદ-મુંબઈ રેલવે લાઈન ઉપર દોડતી કેટલીક ટ્રેનો અસર પહોંચી હતી અને ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બપોરે બીકાનેરથી મુંબઈ તરફ જતી બીકાનેર એક્સપ્રેસ ટ્રેન આણંદના પ્લેટફોર્મ ખાતે આવી પહોંચતા ટ્રેનને અટકાવવામાં આવી હતી. ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયેલો હોવાથી ટ્રેનમાં સવાર મુસાફરોને સિટી બસ મારફતે નવા બસ મથક ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. મુસાફરોની સુરક્ષા અને પરિવહનની વ્યવસ્થા માટે આણંદ પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો તેમજ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
વહિવટી તંત્રના જણાવ્યા મુજબ, ટ્રેન વ્યવહાર ખોરવાતા આણંદ રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવેલા ટ્રેનના મુસાફરોને નિયત સ્થળે પહોંચાડવા માટે રનીંગ બસો ઉપરાંત એક્સ્ટ્રા ૨૫ બસો મુકીને તમામ મુસાફરોને વડોદરા, સુરત, મુંબઈ તરફ રવાના કરવામાં આવ્યા છે. ડેપો મેનેજર તથા ડિવીઝનલ મેનેજર સાથે સતત સંપર્ક સાધી જરૂર મુજબ વધુ બસોની સુવિધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે તમામ મુસાફરો માટે રીફંડની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.