પાલિકાએ ઠાલવેલો કચરો સળગાવતા 25 થી વધુ સોસાયટીના લોકોને હાલાકી
- બોરસદની કાશીબા સોસાયટી પાસે
- રહીશોને શ્વાસની તકલીફ ઉભી થઈ હોવાના આક્ષેપ પાલિકા કચરો ન સળગાવતી હોવાનો તંત્રનો દાવો
બોરસદની આણંદ ચોકડી પાસે આવેલી કાશીબા સોસાયટીમાં પાલિકાનો પ્લોટ આવેલો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ પ્લોટમાં પાલિકા દ્વારા શહેરનો તમામ કચરો ઠાલવવામાં આવતા સ્થાનિકો અસહ્ય દુર્ગંધથી ત્રસ્ત બન્યાં છે. તેમજ કચરો સળગાવવામાં આવતા આખા વિસ્તારમાં ધુમાડો ફેલાય છે.
જેના કારણે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. પરિણામે વિસ્તારની ૨૫થી વધુ સોસાયટીના અંદાજે બે હજારથી વધુ રહીશોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ આ અંગે બોરસદ પાલિકા, જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચકક્ષાએ વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાના અને કચરો ઠાલવવા બીજા પ્લોટ ફાળવેલા હોવા છતાં આ જગ્યાએ જ કચરો નાખવામાં આવતો હોવાના આક્ષેપ લગાવ્યા હતા.
આ અંગે બોરસદ પાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે, આ જગ્યા ડમ્પિંગ વેસ્ટ પ્રોસેસ માટે પાલિકામાં ફાળવવામાં આવેલી છે. જેમાં રોજનો કચરો પ્રોસેસ કરવામાં આવનાર છે. પાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે પરંતુ ભંગારિયા લોકો ભંગારની લાલચમાં કચરો સળગાવતા હોય છે. જેથી અમે વારંવાર સૂચનાઓ આપેલી છે. પાલિકા દ્વારા કચરો સળગાવવામાં આવતો નથી.