Get The App

આંકલાવમાં સસ્તા અનાજની દુકાનમાં સડેલા ઘઉંનું વિતરણ કરાતા રોષ

Updated: Aug 17th, 2023


Google NewsGoogle News
આંકલાવમાં સસ્તા અનાજની દુકાનમાં સડેલા ઘઉંનું વિતરણ કરાતા રોષ 1 - image


- અગાઉ પણ સડેલું અનાજ આપ્યાનો આક્ષેપ

- સડેલો જથ્થો સરકારી ગોડાઉનમાંથી આવ્યો હોવાનો દુકાન સંચાલકનો દાવો 

આણંદ : આણંદ જિલ્લાના આંકલાવમાં સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકોને સડેલા બીનઆરોગ્યપ્રદ ઘઉંનું વિતરણ કરવામાં આવતા રેશનકાર્ડ ધારકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. પાઉડર જેવી હાલતમાં ફેરવાઈ ગયેલું સડેલું અનાજ વિતરણ કરાતું હોવાનો આક્ષેપ રેશનકાર્ડ ધારકોએ કર્યો હતો. જો કે આ સડેલા ઘઉંનો જથ્થો સરકારી ગોડાઉનમાંથી જ આવ્યો હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું.

આંકલાવના બસ સ્ટેશન તરફના માર્ગ ઉપર આવેલા પંડિત દિનદયાળ સરકારી ગ્રાહક ભંડારની સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનું વિતરણ કરવામાં આવતું હોવાના આક્ષેપો ઉઠયા છે. બુધવારે આ દુકાનમાંથી વિતરણ કરાયેલા ઘઉંના જથ્થામાં ખુબ જીવડાં અને સડી ગયેલું અનાજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતા ગ્રાહકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.

 ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આંકલાવના સરકારી અનાજના ગોડાઉનમાંથી સડેલું અનાજ દુકાનદારોને આપવામાં આવ્યું હતું. જેને લઈ સરકારી ગોડાઉનના સંચાલકો સામે દુકાનદારોએ ભારે રોષ ઠાલવ્યો હતો. વધુમાં ગ્રાહકોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરાયેલા ઘઉં સાવ સડેલા અને પાવડર જેવી હાલતમાં હોવાથી ખાવાલાયક નથી. 

જ્યારે સસ્તા અનાજની દુકાનના સંચાલકે આ અંગે આંકલાવના સરકારી ગોડાઉનમાંથી આવો જ જથ્થો આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ ઉજાગર થવાની શક્યતા જોવાઈ રહી હોવાનું ગ્રાહકોએ માંગ કરી હતી.


Google NewsGoogle News