આણંદ જિલ્લામાં 1200 થી વધુ હોસ્પિટલો એક્ટ હેઠળ માત્ર પંદરનું રજિસ્ટ્રેશન
- માર્ચ 2025 સુધી નોંધણી નહીં કરાય તો પગલાં લેવાશે
- ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ 2021 હેઠળ રજિસ્ટ્રેશન નહીં કરાવનાર સામે કાર્યવાહી કરાશે
ધ ગુજરાત ક્લીનીક એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ ૨૦૨૧ની કલમ ૬ હેઠળ હોસ્પિટલ, પ્રસુતિ ગૃહ, નર્સિંગ હોમ કે પોલીક્લીનીકને કાયદા હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યા વગર ચલાવી શકાય નહીં. તેમછતાં આણંદ જિલ્લામાં તંત્રની રહેમનજર હેઠળ ૧૨૦૦થી વધુ હોસ્પિટલો ધમધમી રહી છે.
સમગ્ર જિલ્લામાં કેટલાય બીએચએમએસ, ડીએચએમએસ તથા રાજ્ય બહારથી આવેલા ડૉક્ટરો ઠેર-ઠેર હોસ્પિટલો ખોલીને પ્રેક્ટીસ કરતા જોવા મળી રહ્યા છે. જિલ્લાના વહીવટી અધિકારીઓ આ ડૉક્ટરો સામે કોઈ કાર્યવાહી કરતા ન હોવાના આક્ષેપ લાગ્યા છે.
આણંદ જિલ્લામાં પેટલાદ જનરલ હોસ્પિટલ, કરમસદ મેડિકલ હોસ્પિટલ, ઝાયડસ હોસ્પિટલ સહિત બોરસદ, આણંદ અને પેટલાદ તાલુકાની ૧૫ હોસ્પિટલોનું જ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જ્યારે ઉમરેઠ, ઓડ, ભાલેજ, આણંદ, વિદ્યાનગર જેવા મુખ્ય ગામોમાં હોસ્પિટલોનો રાફડો ફાટી નીકળ્યો છે.
આ એક્ટ હેઠળ માર્ચ ૨૦૨૫ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ છે, ત્યારબાદ રજિસ્ટ્રેશન વગરના ક્લીનીક, હોસ્પિટલો, નર્સિંગ હોમ, પોલીક્લીનીક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ અંગે આણંદ જિલ્લા સીડીએમઓ ડૉ. ડી.વી. પરમારનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે ફોન રિસિવ કર્યો ન હતો.