આણંદ નગરપાલિકાની સામાન્ય સભા બે મિનિટમાં આટોપતા વિપક્ષનો હોબાળો
- પાલિકાની સામાન્ય સભામાં 7.41 કરોડ ઉપરાંતના 89 કામોને મંજૂરી
- 'ભાજપની પાલિકા ચોર છે' ના સુત્રોચ્ચાર, કોંગ્રેસે એજન્ડાના ઠરાવો અને નકલોને ફાડીને ઉડાડી : ચીફ ઓફિસરને ઘેરાવ કરીને વિરોધ
આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાતો માત્ર કાગળ ઉપર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તેવામાં બુધવારે આણંદ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપના કુલ ૩૬માંથી ૨૯ સભ્યો અને કોંગ્રેસના ૧૫માંથી ૧૨ સભ્યો હાજર રહ્યાં હતાં. જ્યારે અપક્ષના એક સભ્ય, ભાજપમાંથી ૭ અને કોંગ્રેસમાંથી ૩ સભ્યો ગેરહાજર રહ્યાં હતાં. વંદે માતરમથી શરૂ થયેલી સભામાં ગણતરીની મિનિટોમાં એજન્ડાના ૮૩ અને પ્રમુખ સ્થાનેથી મુકાયેલા ૭ કામો મળી કુલ ૮૯ કામોને બહુમતીના જોરે મંજૂર કરી સભા આટોપી લેવાઈ હતી.
જેને લઈ વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. અમારા પણ કેટલાક કામોને મંજૂર કરો તેવી માંગ સાથે વિપક્ષના કાઉન્સિલરોએ ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો હતો અને એજન્ડાના ઠરાવો અને નકલોને ફાડીને ઉડાડયા હતા. તેમજ ભાજપની પાલિકા ચોર છે, હમ લડેંગે ચોરો સે, જેવા સુત્રોચ્ચાર કરી વિરોધ કરતા પાલિકા પ્રમુખ જિજ્ઞોશ પટેલ સહિતના સભ્યો સભાખંડમાંથી નીકળી ગયા હતા.
સામાન્ય સભામાં એજન્ડામાં શહેરના રસ્તા, પાણીની વ્યવસ્થા, બ્લોક પેવિંગ, લાઈટની વ્યવસ્થા સહિતના કામોનો સમાવેશ કરાયો હતો. તેમજ વીર સાવરકર ઉદ્યાનમાં બાળકો માટે રમત-ગમતના સાધનો ફીટ કરવા, ખાનગી સોસાયટીમાં જનભાગીદારી યોજના અંતર્ગત ઘરોની ગટર લાઈન સાથે જોડાયેલી ન હોય તેવી સોસાયટીના ઘરો, તે સિવાયના ઘરોને પ્રતિ કુટુંબ ૭ હજારની મર્યાદામાં સહાય આપવાનું કામ, આણંદ શહેરની હદ વિસ્તારમાં ડ્રોન દ્વારા મકાનો અને મલ્ટીસ્ટોરી ફ્લેટ બિલ્ડિંગો વિસ્તારમાં આવતા સ્ત્રોતો અને આ હોલમાં મચ્છરોનો ઉપદ્રવ વધે નહીં તે માટે લાવીસાઈડ દવાનો છંટકાવ કરવા સહિતના કામોને બહુમતીના જોરે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ટૂંકી ગલી અને આસપાસના વિસ્તારના લારી-ગલ્લાં અને પાથરણાવાળા દ્વારા વેપાર-ધંધા માટે કરવામાં આવેલી અરજીને ટાઉન વેન્ડિંગ કમિટીમાં મુકવામાં આવી હતી. જે અંગે ચર્ચા-વિચારણાને અંતે ટૂંકી ગલીના ફેરિયાઓને કોઈ બીજા સ્થળે વૈકલ્પિક જગ્યા ફાળવવા માટે વેન્ડિંગ કમિટી બોલાવી જગ્યાનો ઠરાવ કરવામાં આવશે. તેમજ અમૂલ ડેરીથી સરદાર પટેલ સ્મારક થઈ રાધાકૃષ્ણ સ્ટેચ્યુ થઈ એપીએમસીને જોડતા રસ્તાને ત્રિભોવનદાસ પટેલ માર્ગ નામકરણ કરવાની માંગને બહૂમતીથી મંજૂર કરાયું હતું.
કામોમાં ગેરરીતિ થઈ છે, અમે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરીશું : વિપક્ષ
પાલિકાના વિરોધ પક્ષના નેતા ડૉ. જાવેદ વહોરાએ જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં વંદે માતરમ ગીત અડધું ગવડાવીને માત્ર બે મિનિટમાં જ સભા પૂરી કરવામાં આવી હતી. સામાન્ય સભામાં નાણાકીય કટકીના ખેલ થયા છે. જૂના ટેન્ડરો રિવાઈઝ કરીને ઉંચા ભાવ આપી મોટા ભાગે ગેરરીતિના કામો કરાયા છે. કાઉન્સિલરોના વિકાસના કામો લીધા નથી અને વધારાના કામોમાં પણ લાખો રૂપિયાનું કૌભાંડ થયેલું છે. જેથી અમે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.
સભામાં પ્રમુખ સ્થાનેથી મુકાયેલા વિવિધ કામો અને દરખાસ્તો
પ્રમુખ સ્થાનેથી મુકાયેલા કામોમાં કર્મચારીઓને બઢતી-બદલીની મંજૂરી પ્રાદેશિક કમિશનર વડોદરાએ આપી હોય તેની નિયમોનુસાર કાર્યવાહી કરવા, ૧૫માં નાણાંપંચ અંતર્ગત પરીખભુવન વિસ્તારમાં આવેલા કોમ્યુનિટિ હોલમાં પેવર બ્લોક સર્વન્ટ ક્વાર્ટર્સ, કમ્પાઉન્ડ વોલ અને આરસીસી રોડ બનાવવા રૂ.૭૪.૮૮ લાખના ખર્ચનું કામ, ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ.૨૨.૦૮ લાખના કુલ ૬ કામોની દરખાસ્ત કરી જિલ્લા આયોજન કચેરીમાં મોકલી આપવાના કામમાં સમાવેશ થાય છે.
સામાન્ય સભામાં મંજૂર કરાયેલા એજન્ડાના કામો
વિવિધ
કામો |
રૂપિયા |
લોટેશ્વર
ભાગોળ તળાવનું બ્યૂટીફીકેશન |
૧.૯૨
કરોડ |
શાસ્ત્રી
બાગમાં ૮ લાખ લિટરની પાણીની ટાંકી |
૧.૭૩
કરોડ |
ભાલેજ
ઓવરબ્રિજથી ગ્રીડ ચોકડી સુધીના રોડનું બ્યૂટીફીકેશન |
૧.૨૨
કરોડ |
ટીપી-૪,૮, ગામતળ અને બાકરોલ ઝોનમાં રબ્બર
મોલ્ડ પેવિંગ બ્લોક નાખવા |
૯૧.૭૯
લાખ |
પરીખભુવન
તલાવડી પાસેના સ્મશાનગૃહનું ડેવલપમેન્ટ |
૭૯.૯૩
લાખ |
ટીપી-૨
અને ૮માં ડબલ્યૂએમ ડામર રોડની કામગીરી |
૪૭.૯૪
લાખ |
આણંદ
આર્ટ્સ કૉલેજ સામે ગટર લાઈન નાખવા |
૧૯.૭૦
લાખ |
લોટેશ્વર
તળાવમાં ૬ મીની હાઈમાસ્ટ પોલ લાઈટ નાખવા |
૧૫ લાખ |