Get The App

ખંભાતના સોખડા માર્ગ પર કાર અને બાઇક અથડાતા એકનું મોત

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
ખંભાતના સોખડા માર્ગ પર કાર અને બાઇક અથડાતા એકનું મોત 1 - image


- કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ 

- રોડ પર પટકાતા ગંભીર ઇજાગ્રસ્તને દવાખાને લઇ જતા તબીબે મૃત જાહેર કર્યા 

આણંદ : ખંભાતના સોખડા માર્ગ ઉપર ગઈકાલ સમીસાંજના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલી ફોરવ્હીલરે એક મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ચાલકનું ગંભીર ઈજાઓ થવાના કારણે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાત પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રભાતભાઈ ગગજીભાઈ મકવાણા સોખડા ગામે આવેલ એક કંપનીમાં સીક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલ સાંજના સુમારે તેઓ પોતાનું મોટરસાયકલ લઈને ખંભાત કામકાજ અર્થે ગયા હતા. જ્યાંથી તેઓ પરત લુણેજ ખાતે આવી રહ્યા હતા. દરમિયાન સમીસાંજના સુમારે સોખડા પાસે આવેલ એક ફાર્મહાઉસ નજીકથી તેઓની મોટરસાયકલ પસાર થઈ રહી હતી ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલ એક ફોરવ્હીલરે તેઓની મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા પ્રભાતભાઈ ઉછળીને રોડ ઉપર પટકાયા હતા.  તેઓને તુરંત જ સારવાર અર્થે ખંભાતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત નાજુક હોઈ વધુ સારવાર અર્થે તેઓને કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેઓને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ખંભાત પોલીસે કારચાલક કૃણાલ પટેલ (રહે.ખંભાત) વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News