આઈસર પાછળ ટેમ્પો ઘુસી જતા એકનું મોત, બેને ઈજા

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
આઈસર પાછળ ટેમ્પો ઘુસી જતા એકનું મોત, બેને ઈજા 1 - image


- ધર્મજ ગામ પાસે બ્રિજ પર અકસ્માત 

- ચાલકે ડિવાઈડર સાથે આઈસર અથડાવતા પાછળ આવી રહેલા ટેમ્પાને અકસ્માત નડયો     

આણંદ : વાસદ-તારાપુર સ્ટેટ હાઈવે પર ધર્મજ ગામના બ્રિજ નજીક આઈસર ચાલકે પુરઝડપે વાહન હંકારી ડીવાઈડર સાથે અથડાવ્યું હતું. ત્યારે પાછળથી આવી રહેલો દૂધ ભપેલો ટેમ્પો આઈસર સાથે અથડાતા દૂધના ટેમ્પામાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તેમજ ડ્રાઈવર અને ક્લીનરને ઈજાઓ પહોંચી હતી. જ્યારે આઈસરચાલક વાહન મૂકી નાસી ગયો હતો. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતના લસકાણા ખાતે રહેતા દેવશીભાઈ રણમલભાઈ આહિર દૂધની ડેરીમાં ભાગીદાર છે. ગત તા.૧૪ જુલાઈના રોજ તે પોરબંદરના બગોદરા ગામેથી પોતાના ટેમ્પામાં દૂધ ભરી ક્લીનર રાજેશભાઈ સાથે લસકાણા આવવા નીકળ્યા હતા. ત્યારે જામખંભાળીયાથી ડેરીના ભાગીદારના કુટુંબી ભાઈ પાલાભાઈ નુંધાભાઈ બેરા મળ્યા હતા. તેમને પણ સુરત આવવાનું હોવાથી દેવશીભાઈએ ટેમ્પામાં બેસાડી દીધા હતા. 

દરમિયાન રાત્રે ધર્મજ ગામના જલારામ મંદિર પાસે આવેલા બ્રિજ ઉપર ટેમ્પો આગળ જઈ રહેલા આઈસરના ચાલકે વાહન ગફલતભરી રીતે હંકારતા આઈસરનો ખાલી સાઈડનો ભાગ ડીવાઈડર સાથે અથડાવ્યો હતો. જેથી દેવશીભાઈએ બ્રેક મારી હતી પરંતુ ટેમ્પામાં બ્રેક વાગી ન હતી અને ટેમ્પો ધડાકાભેર આઈસરના પાછળના ભાગે અથડાયો હતો. 

અકસ્માતમાં ટેમ્પામાં સવાર પાલાભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ડ્રાઈવર તથા ક્લીનરને શરીરે વધતા-ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. જ્યારે આઈસરનો ચાલક વાહન ઘટનાસ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. આ અંગે ૧૦૮ને જાણ થતાં ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાલાભાઈને તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. 

આ બનાવ અંગે જાણ થતાં પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આઈસર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News