Get The App

નવરાત્રિની પૂર્વ સંધ્યાએ છેલ્લી ઘડીની ખરીદી માટે યુવતીઓ ઉમટી

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
નવરાત્રિની પૂર્વ સંધ્યાએ છેલ્લી ઘડીની ખરીદી માટે યુવતીઓ ઉમટી 1 - image


- ચરોતરમાં આજથી જગદંબાની આરાધનાના પર્વનો પ્રારંભ

- બાંધણી, અજરખ, ગામઠી ભરતકામ, આભલાવાળી ચણિયાચોળી યુવતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની

આણંદ : કુમકુમ પગલે માડી પધારો રે...મા જગદંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિની ગુરુવારથી શરૂઆત થઈ રહી છે. આણંદ જિલ્લામાં ૨૭થી વધુ સ્થળોએ મોટા ગ્રાઉન્ડમાં તેમજ ૩૫૧ ગામડાઓમાં શેરીએ શેરીએ કુંવારિકાઓ, યુવતીઓ સહિતના ગ્રામજનો ગરબાની રમઝટ બોલાવશે. ત્યારે ચરોતરના ખેલૈયાઓ નવરાત્રિની પૂર્વે ચણિયાચોળી, ઘરેણા સહિતની વસ્તુઓની ખરીદી માટે ઉમટયાં હતાં.  નવ દિવસ સુધી યુવાધન ભાતીગળ પરિધાન ધારણ કરી ગરબા રમશે. ખાસ કરીને યુવતીઓ નવરાત્રિ માટે અલગ બજેટ રાખતી હોય છે અને રંગબેરંગી ચણિયાચોળી, ઘરેણાની ખરીદી કરતી હોય છે. આણંદની બજારોમાં નવરાત્રિ માટે કોટન, સિલ્ક, શિફોન, સાટીન, બ્રોકેડ જેવા મટિરીયલમાં ચણિયાચોળી મળે છે. જેમાં બાંધણી, અજરખ, ગામઠી ભરતકામ, મોતીકામ, કંજરી વર્ક, એમ્બ્રોઈડરી, આભલા વર્કવાળી ચણિયાચોળી યુવતીમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કેટલીક યુવતીઓ બેથી ત્રણ ચણિયાચોળીને લઈ ડ્રેસનું મિક્સ અને મેચ કરતી હોય છે. ડાર્ક કલર્સની સાથે સાથે પેસ્ટલ શેડ્સની ચણિયાચોળીઓ પણ યુવતીઓની પસંદગી બની રહી છે. હાલમાં સિમ્પલ વર્કવાળી ચણિયાચોળી સાથે અવનવા ઘરેણા, દુપટ્ટા સાથે અલગ અલગ લુક્સ અપનાવતી હોય છે. યુવતીઓ રૂ. ૫૦૦થી રૂ.૫૦ હજાર સુધીની ચણિયાચોળી ખરીદતી હોય છે. ઉપરાંત ઓક્સોડાઈઝના લાંબા ઈયરરિંગ્સ, નથણી, હાથ-પગના કડા, કમરબંધ, બાજૂબંધ, પાયલ સહિતની માંગ હોય છે. કોલેજીયન યુવતીઓમાં બીડ્સની જ્વેલરી, ઘુઘરીઓના ઝુમખાથી બનેલી જ્વેલરીની માંગ વધુ હોય છે. સાથે સાથે વિવિધ રંગની મોજડીઓથી શણગાર પૂરો કરવામાં આવે છે. 

મેકઅપ અને હેરસ્ટાઈલ પાછળ દૈનિક રૂ. 800 સુધીનો ખર્ચ 

આણંદની યુવતીઓએ જણાવ્યું હતું કે, મેકઅપ વિના નવરાત્રિમાં ગરબે ઘુમવા જવાય નહીં તેવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હેરસ્ટાઈલ અને મેકઅપ માટે યુવતીઓ રૂ. ૪૦૦થી ૮૦૦નો દૈનિક ખર્ચ કરતી હોય છે. ઉપરાંત દરરોજ નવી ચણિયાચોળી પહેરવા માટે યુવતીઓ ભાડેથી ચણિયાચોળી લાવતી હોય છે. જેની પાછળ દૈનિક રૂ. ૩૦૦થી રૂ.૧,૫૦૦નો ખર્ચ થતો હોય છે. નવ દિવસ દરમિયાન વિવિધ ચણિયાચોળી, ઘરેણા, મેકઅપ સહિતનો અંદાજે રૂ. ૧૦ હજારથી રૂ. ૨૦ હજાર સુધીનો ખર્ચ થતો હોય છે.  


Google NewsGoogle News