આણંદ- વિદ્યાનગર રોડ પર તોતિંગ વૃક્ષ પડતા દોડધામ, જાનહાનિ ટળી
- તાજેતરમાં વૃક્ષ પડતા એક વ્યકિતનું મોત નિપજ્યું હતું
- પંચાલ હોલ પાસે કાર પર વૃક્ષ પડતા ફાયર વિભાગના સ્ટાફે દોડી આવીને માર્ગ ખુલ્લો કર્યો
આણંદ શહેરના સો ફૂટ રોડ તથા વિદ્યાનગર રોડ ઉપર ઠેકઠેકાણે જોખમી વૃક્ષો ઉભા છે. થોડા દિવસો પૂર્વે આવા જોખમી વૃક્ષો અંગે અહેવાલો પ્રસિધ્ધ થતા અને ગત સોમવારે નમતી બપોરના સુમારે ભાલેજ ઓવરબ્રીજ નજીક વૃક્ષ ધરાશાયી થવાના કારણે એક ભિક્ષુક જેવા વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના બનાવ બાદ પાલિકા તંત્ર સફાળુ જાગ્યું હતું અને આણંદ-વિદ્યાનગર રોડ ઉપર દેખાડા પૂરતી ટ્રિમીંગની કામગીરી હાથ ધરાઈ હતી.
પાલિકાના નઘરોળ તંત્રની બેજવાવદાર કામગીરીને લઈ શહેરીજનોને અનેકવાર શોષવાનું આવ્યું છે ત્યારે આજે નમતી બપોરના સુમારે આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા પંચાલ હોલ નજીક ડિવાઈડર વચ્ચે આવેલા એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ માર્ગ પરથી પસાર થઈ રહેલ સ્કોર્પીયો કાર ઉપર પડયું હતું. જેને લઈ કારને નુકસાન પહોંચ્યું હતું. જો કારની જગ્યાએ કોઈ ટુવ્હીલર ચાલક ઉપર વૃક્ષ ધરાશાયી થયું હોત તો જાનહાનિ થાત તેવું સ્થાનિકો જણાવી રહ્યાં છે. જો કે પ્રિ-મોન્સૂનની કામગીરી અંતર્ગત પાલિકા તંત્રને આવાં જોખમી વૃક્ષો દુર કરવા જિલ્લા કલેક્ટરને તાકિદ કરી હોવા છતાં પાલિકા તંત્રની આળસુ નિતી સામે જાગૃતોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
વૃક્ષ ધરાશાયી થયાના મેસેજ આણંદ ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની ટીમ તુરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ધરાશાયી થયેલ વૃક્ષને સાઈડમાં કરી માર્ગ ખુલ્લો કર્યો હતો.