કોંગ્રેસમાંથી 6 વખત પેટલાદના ધારાસભ્ય બનેલા નિરંજન પટેલ ભાજપમાં જોડાયા
- કોંગ્રેસ, એનસીપીમાં સન્નાટો, 900 થી વધુ કાર્યકરો, હોદ્દેદારો ભાજપમાં જોડાઇ ગયા
એનસીપીના જનરલ સેક્રેટરી બ્રિજેશકુમાર પટેલ, બોરીયાવીના કોંગી કાઉન્સીલર નિલેશભાઈ પટેલ, આણંદ જિલ્લા એનસીપી મહિલા મોરચાના પ્રેસીડેન્ટ હંસાબેન ગોહેલ ભાજપમાં જોડાયા હતાં. સાથે સાથે બોરીયાવી નગરપાલિકાના કેટલાક કોંગી કાઉન્સીલરો તેમજ બેડવા ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ પણ કેસરીયો ધારણ કર્યો હતો.
ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં આવતા જીતપુરા, ઓડ ગામના કેટલાક અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા હતા. પેટલાદ વિધાનસભાના ૨૦૨૨ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુનભાઈ ભરવાડે પણ કેસરીયો ધારણ કર્યો હતો. સાથે સાથે પેટલાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો આણંદ તાલુકાના રાસનોલ ગામના એનસીપીના કાર્યકરો અને સોજિત્રા નગરપાલિકાના પૂર્વ સભ્યો પણ ભાજપમાં જોડાયા હતા.
પેટલાદ વિધાનસભા બેઠક ઉપર ૬ વખત કોંગ્રેસમાંથી જીતનાર નિરંજનભાઈ પટેલે પણ કોંગ્રેસને બાય...બાય.. કહી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. આ સાથે પેટલાદના આણંદ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તથા મંત્રી પણ ભાજપમાં જોડાતા કોંગ્રેસના કાંકરા ખરવા માંડયા છે.
આજે બોચાસણ ખાતે યોજાયેલ આ ભરતી મેળામાં કોંગ્રેસ, એનસીપી સહિતના પક્ષોમાંથી કુલ ૯૩૩ જેટલા આગેવાનો તથા કાર્યકરોએ વિવિધ પક્ષો સાથેથી છેડો ફાડી કેસરીયો ધારણ કરતા કોંગ્રેસ તથા એનસીપી છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.