આણંદ જિલ્લાના મહીકાંઠાના ગામોમાં નીલગાયનો શિકાર કરતી ટોળકી સક્રિય
- વન વિભાગ તપાસ હાથ ધરે તેવી માંગ
- નીલગાયના માંસની ડિમાન્ડ વધુ હોવાથી કોમર્શિયલ હેતુથી શિકાર કરાતો હોવાની ફરિયાદ
મહીકાંઠાના ત્રણોલ, વહેરાખાડી, રાસ, ગંભીરા, કહાનવાડી, કુંજરાવ સહિત કોતર વિસ્તારમાં નીલ ગાયોના ઝુંડ વિહરતા હોય છે અને ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા હોય છે. હાલ ઉનાળુ બાજરી સહિતના ઉભા પાકને નીલ ગાયોના ઝુંડ સોંથ વાળી દેતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
જો કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં નીલ ગાયોને શિકાર બનાવતી ટોળકી સક્રિય થઈ છે. આ ટોળકી મધ્યરાત્રે જીપ કે ખુલ્લા વાહનમાં સવાર થઈ આવે છે અને બંદુકથી નીલ ગાયોનો શિકાર કર્યા બાદ વાહનમાં ભરી લઈ જતા હોવાની બુમો ઉઠી છે. બાદમાં નીલ ગાયના માંસની જ્યાફત માણવામાં આવતી હોય છે અને કેટલુક માંસ અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં સગેવગે કરવામાં આવતુ હોવાની ફરિયાદો ઉઠી છે.
નીલ ગાય એ દોડતુ પ્રાણી હોઈ ચરબી ઓછી હોય છે તેમજ નીલ ગાયનું માંસ ખાવાથી કોલેસ્ટ્રોરલ વધતુ ન હોવાથી માંસાહારી લોકો મોટાભાગે નીલ ગાયનું માંસ આરોગવાનું પસંદ કરતા હોય છે. જેને લઈ બજારમાં તેની ડીમાન્ડ વધુ રહેતી હોય છે. નીલ ગાયનો શિકાર મુખ્યત્વે બંદુક અથવા તારના ગાળા કરીને કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકો માત્ર શોખ ખાતર તો કેટલાક શખ્શો કોમર્શિયલ હેતુથી નિલગાયનો શિકાર કરી રહ્યા છે. જ્યાં નીલગાયોની સંખ્યા વધુ હોય તેવા ખેતરમાં તારના ગાળા કર્યા બાદ નીલ ગાયને તે તરફ ભગાવવામાં આવે છે અને તારના ગાળામાં પગ ફસાઈ જતા નીલ ગાય ફસડાઈને ત્યાં પડે છે અને એ સાથે જ આસપાસમાં છુપાઈ રહેલા શિકારીઓ તેનો શિકાર કર્યા બાદ વાહનમાં ભરીને લઈ જાય છે.
જો કે, ખેડૂતો પણ પોતાના ઉભા પાકને નીલ ગાય દ્વારા નુકસાન કરતા હેરાન-પરેશાન થઈ ગયેલા હોવાથી આ મામલે ચુપકીદી સેવવાનું મુનાસીબ માની રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા મહીકાંઠાના ગામોમાં વોચ ગોઠવી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
નીલગાયનો શિકાર કરનારને 3 થી 7 વર્ષની સજાની જોગવાઈ
આ અંગે બોરસદ વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, નીલ ગાયના શિકાર ઉપર પ્રતિબંધ છે. પહેલા નીલ ગાયને સીડયુલ-૪માં સમાવ્યા બાદ નવા નિયમ મુજબ સીડયુલ-૨માં સમાવેશ કરાયો છે. જો નીલગાયનો શિકાર કરતા કોઈ પકડાય તો તેને રૂા.૨૫ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ હોવાનું જણાવ્યું હતું.