આણંદની એન. એસ. પટેલ આટર્સ કોલેજને ઓટોનોમસ સ્ટેટસ અપાયું
- સરકારની નવી રાષ્ટ્રીય એજ્યુકેશન પોલીસી અંતર્ગત
- યુ.જી.સી. દ્વારા ગુજરાતની સૌ પ્રથમ આટર્સ કોલેજને ઓટોનોમસ સ્ટેટસ અપાતા ચરોતરનું ગૌરવ વધ્યું
આણંદ, તા. 9 સપ્ટેમ્બર 2020, બુધવાર
નવી રાષ્ટ્રીય એજ્યુકેશન પોલીસી અંતર્ગત આણંદ સ્થિત એન.એસ. પટેલ આર્ટસ કોલેજને યુ.જી.સી. દ્વારા ઓટોનોમસ સ્ટેટસ મળતા સમગ્ર ચરોતર પંથકમાં હર્ષની લાગણી વ્યાપી છે. ગુજરાતની સૌપ્રથમ આર્ટસ કોલેજને આ પ્રકારે ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવ્યું છે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કોલેજોને ઓટોનોમસ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં આણંદની એન.એસ. પટેલ આર્ટસ કોલેજને ઓટોનોમસ સ્ટેટસ આપવા માટે સ્થાનિક નેતા સહિત કોલેજના આચાર્ય દ્વારા રજૂઆત કરાઈ હતી. કોલેજની સિધ્ધિઓ તેમજ કાર્યો જોતાં એન.એસ. પટેલ આર્ટસ કોલેજ આણંદને યુ.જી.સી. નવી દિલ્હી દ્વારા ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવ્યું છે. જે સરદાર પટેલ યુનિવર્સિટી સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. કારણ કે ગુજરાતની સૌપ્રથમ આર્ટસ કોલેજને ઓટોનોમસ સ્ટેટસ આપવામાં આવ્યું હોય તેવી આ પ્રથમ કોલેજ છે. યુ.જી.સી. દ્વારા અપાતું કોલેજ વીથ પોટેન્શીયલ ફોર એક્સલન્સ, ઈનોવેટીવ કોર્સ તથા અન્ય સ્કીલ બેઝડ એજ્યુકેશનના વિવિધ અભ્યાસક્રમોમાં કોલેજ સતત અગ્રેસર રહી શિક્ષણનો વિસ્તાર કરતી રહી છે. જેને લઈ યુ.જી.સી. દ્વારા આ કોલેજને ઓટોનોમસ સ્ટેટસ અપાયું છે. આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સહિત કોલેજના સમગ્ર સ્ટાફને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.