વાસદ ટોલનાકા ખાતે ટોલટેક્સના દર વધારતા વાહનચાલકો પરેશાન
- નેશનલ હાઈવે નં. 8 પર આવેલા
- માસિક પાસ વિનાના આણંદના વાહન ચાલકોને વડોદરાનો ફેરો મોંઘો પડતા રોષ
નેશનલ હાઈવે નંબર-૮ ઉપર આવેલા વાસદ નજીક હાઈવે ઓથોરિટી દ્વારા ટોલપ્લાઝા બનાવવામાં આવેલો છે. આ હાઈવે માર્ગ વડોદરા, સુરત, રાજકોટ સહિત કાઠીયાવાડને જોડતો હોઈ દિવસ-રાત વાહનોની અવરજવરથી સતત ધમધમતો રહે છે. થોડા વર્ષ પૂર્વે વાસદ નજીક ટોલ પ્લાઝાનું સમારકામ કરી બંને તરફ સીક્સ લેન સાથે નવું ટોલ પ્લાઝા ઉભું કરવામાં આવ્યું છે.
જો કે આ ટોલનાકું શરૂ થતા વાસદ તથા આણંદના વાહન ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વાસદ તથા આણંદના અનેક વાહનચાલકોને દિવસમાં અવારનવાર વડોદરા તરફ ધંધા કામકાજ અર્થે જવાનું હોઈ આ ટોલનાકાને લઈ તેઓને આર્થિક નુકસાન પહોંચતું હતું. વિરોધ ઉઠતા હાઈવે ઓથોરિટી દ્વારા આણંદના વાહનચાલકોને રાહત આપવામાં આવી હતી અને રિટર્ન દર ફિક્સ કરાયો હતો.
જો કે છેલ્લા કેટલાક સમયથી આ દરોમાં વધારો કરાયો છે અને હવે માસિક પાસને બાદ કરતા આણંદના વાહનચાલકોને પણ વડોદરા તરફનો ફેરો મોંઘો પડી રહ્યો છે. જેને લઈ વાહન ચાલકોમાં રોષ વ્યાપ્યો છે. મોટાભાગે વાહનચાલકો હવે ફાસ્ટેગનો ઉપયોગ કરતા હોઈ ટોલટેક્સમાં થયેલો વધારો ધ્યાને ન આવતો હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી વાસદ ટોલનાકું અવારનવાર વિવિધ વિવાદોને લઈ ચર્ચામાં રહ્યું છે. થોડા સમય પૂર્વ સુરત વરાછાના ધારાસભ્યએ વાસદ ટોલનાકા નજીક કેટલાક પોલીસકર્મીઓ સુરત પાસીંગની ગાડીઓને રોકી ખોટી રીતે હેરાનગતિ કરી નાણા પડાવતા હોવાના આક્ષેપ સાથે રાજ્યના ગૃહમંત્રીને ફરિયાદ કરી હતી. બીજી તરફ વાસદ ટોલનાકા ખાતેથી અવારનવાર વિવિધ વાહનોમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાના બનાવ પણ પ્રકાશમાં આવ્યા છે. વાસદ ટોલનાકાના કેટલાક કર્મચારીઓ મસમોટી રકમ પડાવી રાત્રિના સુમારે વિદેશી દારૂ સહિત ગેરકાયદેસર ધંધામાં રોકાયેલી ગાડીઓને પસાર કરાવી દેતા હોવાની પણ ફરિયાદો ભૂતકાળમાં ઉઠેલી છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે.
પરિપત્ર જોઈને તપાસ કરાશે : સાંસદ
આણંદ સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઈ)નું વતન વાસદ છે, ત્યારે તેઓ વાસદ તથા આણંદવાસીઓને ટોલ ટેક્સમાં લાભ અપાવવા માટે ઊણાં ઉતર્યાં હોવાનો રોષ વાહનચાલકોમાં વ્યાપ્યો છે. આ અંગે સાંસદ મિતેષભાઈએ જણાવ્યું હતું કે, ટોલ ટેક્સમાં વધારા અંગે હજી સુધી કોઈ ફરિયાદ મળી નથી, જેથી પરિપત્ર જોઈ તપાસ કરી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વેના ટોલના દરોમાં ભારે તફાવત
આણંદથી વડોદરા તરફ જવા માટે નેશનલ હાઈવે નં-૮ તથા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે આવેલા છે. જો કે આ બંને હાઈવે માર્ગ ઉપર લેવામાં આવતા ટોલટેક્સના દરોમાં ઘણો મોટો તફાવત જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે નં-૮ ઉપરથી વડોદરા તરફ જવા માટે વાસદ ટોલનાકા ખાતે કાર, વાન, જીપ કક્ષાની ગાડીઓ માટે આણંદથી વડોદરા રીટર્ન ટેક્સ રૂા.૨૨૫ વસૂલવામાં આવે છે, જ્યારે આ જ કેટેગરીના વાહનો જો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી વડોદરા તરફ જાય તો આણંદ ટોલનાકા નજીક રીટર્ન ટેક્સ રૂા.૮૦ વસૂલવામાં આવે છે.