આણંદમાં તંત્રની બેદરકારી! 'નલ સે જલ' યોજના હેઠળ ખરીદેલી લાખોની પાઈપ ભંગાર બની
Gujarat Ananad News | આણંદ નગરપાલિકાએ 10 વર્ષ અગાઉ 'નલ સે જલ' યોજના હેઠળ ટીપી આઠમાં પાણીની લાઈન નાખવા માટે લાખોના ખર્ચે પાઈપલાઈન લીધી હતી. બાદમાં આ કામગીરીને બંધ કરી દઈ પાલિકાએ પાઈપલાઈનોને ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં મૂકી દીધી હતી. જેથી લાખોની પાઈપલાઈન હાલ ભંગારમાં ફેરવાઈ છે.
આણંદ નગરપાલિકાની ટીપી આઠમાં આવેલા ઉમા ભવન, પાલિકા કર્મચારીઓના આવાસ, જીટોડિયા સોસાયટી વિસ્તાર સહિતના બોરસદ ચોકડી વિસ્તારમાં નલ સે જલ યોજના હેઠળ પીવાના પાણી માટે 10 વર્ષ પહેલા પાઈપલાઈન લેવામાં આવી હતી.
લાખોના ખર્ચે લીધેલી પાઈપલાઈને નાખવાનું કામ કરવાની તૈયારીઓ કરાઈ હતી. તે સમયે પાઈપનો ગેજ નાનો હોવાથી આખા વિસ્તારમાં પુરતું પાણી અને ફોર્સથી પાણી નહીં મળે તેવી પાલિકામાં રજૂઆતો કરાઈ હતી.
ત્યારે પાલિકાએ પાઈપ નાખવાની કામગીરી બંધ કરી દીધી હતી અને લાખોની કિંમતની પાઈપોને આણંદ ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં મૂકી દેવામાં આવી હતી. 10 વર્ષથી બહાર પડેલી પાઈપ હાલમાં ભંગારની સ્થિતિમાં ફેરવાઈ છે. આ પાઈપો અંગે પાલિકામાં કોઈ માહિતી ઉપ્લબ્ધ નહીં હોવાનું પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરી લાવેલી પાઈપનો ઉપયોગ ન કરાતા પ્રજા પાસેથી લાખો રૂપિયાનો વેરો વસુલતી પાલિકા નાણાંનો વેડફાટ કરતી હોવાના આક્ષેપ શહેરીજનોએ લગાવ્યા હતા.